નોએડા: વિદ્યાર્થીના પિતાનો ટેસ્ટ પૉઝિટિવ મળતાં ખળભળાટ

04 March, 2020 12:12 PM IST  |  Noida

નોએડા: વિદ્યાર્થીના પિતાનો ટેસ્ટ પૉઝિટિવ મળતાં ખળભળાટ

ફાઈલ ફોટો

નોએડાના સેક્ટર ૧૩૫માં આવેલી શ્રીરામ મિલેનિયમ સ્કૂલ સહિત કુલ બે શાળાને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રીરામ મિલેનિયમ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. શ્રીરામ મિલેનિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થીના પિતામાં કોરોના વાઇરસનો પૉઝિટિવ ટેસ્ટ આવતાં આ શાળા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. નામ નહીં આપવાની શરતે શાળાના એક સિનિયર અધિકારીએ આ બાબતની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમારા એક વિદ્યાર્થીના પિતાને કોરોના વાઇરસનો પૉઝિટિવ ટેસ્ટ આવ્યો છે. અમે સાવચેતીનાં તમામ પગલાં ભર્યાં છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખવા આરોગ્ય મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક શાળાએ કહ્યું છે કે તેણે ૯ માર્ચ સુધી તાત્કાલિક અસરથી તેના વર્ગો બંધ કરી દીધા છે અને તેના સંકુલને જંતુમુક્ત (સેનિટાઇઝિંગ) કરવામાં આવશે.

ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઑફિસર અનુરાગ ભાર્ગવે જણાવ્યું હતું કે શાળા એક દિવસ અથવા બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ સમય દરમિયાન શાળાને જંતુરહિત કરવામાં આવશે. એક રૂમને જંતુમુક્ત કરવા ઓછામાં ઓછા એક કલાકનો સમય લાગે છે. અમારી મેડિકલ ટીમે આ અંગે શાળાને માહિતી આપી છે. બે બાળકોનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. શાળાને દેખરેખ હેઠળ લેવામાં આવી છે. નોએડામાં કુલ ૪૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. થોડા જ કલાકોમાં આ અંગેના અહેવાલ સામે આવ્યા છે.

આ શાળાનાં અનેક બાળકોએ કોરોનાથી પીડિત વ્યક્તિ દ્વારા એક બર્થ ડે પાર્ટીમાં ભાગ લીધો હતો. આ પાર્ટીમાં સામેલ તમામ લોકોને અલગ-થલગ કરવા કહેવામાં આવ્યું છે. નોએડાના સીએમઓ અનુરાગ ભાર્ગવે કહ્યું કે એક પાર્ટીમાં પાંચ પરિવાર સામેલ હતા. બાદમાં પાર્ટીનું આયોજન કરનાર વાઇરસથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું.

ગૌમૂત્ર-ગાયના છાણથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે :બીજેપીના ધારાસભ્ય

આસામમાં બીજેપીના ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ વિધાનસભામાં દાવો કર્યો હતો કે ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે ગાયનું છાણ ખૂબ જ ફાયદાકારક છે. જેવી રીતે ગૌમૂત્રથી કોઈ પણ જગ્યા શુદ્ધ થઈ જાય છે. મને લાગે છે કે એવી રીતે જ ગૌમૂત્ર તેમ જ ગાયના છાણથી કોરોના વાઈરસની સારવાર પણ થઈ શકે છે. બીજેપીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભારતથી બંગલા દેશમાં થઈ રહેલી ગાયોની તસ્કરીને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે.

noida delhi news national news coronavirus