કોરોના વાઇરસની ભારતમાં એન્ટ્રીઃ દિલ્હી, તેલંગણમાં પૉઝિટિવ કેસ

03 March, 2020 11:20 AM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસની ભારતમાં એન્ટ્રીઃ દિલ્હી, તેલંગણમાં પૉઝિટિવ કેસ

કોરોનાવાયરસ

ખતરનાક અને જીવલેણ કોરોના વાઇરસ હવે દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચી ગયો છે. પાટનગર દિલ્હીમાં કોરોના વાઇરસનો પહેલો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાનો વધુ એક કેસ તેલંગણમાં પણ નોંધાયો છે. દિલ્હીમાં જે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે તે તાજેતરમાં જ ઈટલીથી અને અન્ય એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો. અત્યાર સુધી ભારતમાં કુલ પાંચ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મામલા પર પ્રકાશ પડ્યા બાદ વિદેશથી પાછા ફરેલા લોકોની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલમાં કોરોનાના બન્ને દર્દીઓની તબિયત સ્થિર છે. આ અગાઉ ચીનથી ઍરલિફ્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકોને માનસેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓને ૨૪ કલાક માટે અન્ડર ઑબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. ચીનથી ભારત લવાયેલા આ લોકોને કોઈને પણ મળવાની પરવાનગી આપવામાં નથી આવી. તેમ જ વિદેશથી આવનારા પ્રવાસીઓની અૅરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ જપાનથી ‘ડાયમન્ડ પ્રિન્સેસ’ ક્રૂઝમાંથી ભારતના ૧૧૯ નાગરિકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને જપાનથી સીધા માનસેર સેન્ટર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં પણ ડૉક્ટર્સના અન્ડર ઑબ્ઝર્વેશનમાં છે. સુખદ વાત એ છે કે ભારતીય ડૉક્ટર્સ આ રોગને ફેલાતો અટકવા માટે અને નાબૂદ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે જેના કારણે હજી સુધી ભારતમાં કોરોના વાઇરસના કારણે એક પણ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.

coronavirus delhi news telangana national news