25 રાજ્યોમાં થઈ કોરોનાની એન્ટ્રી, 650થી વધુ લોકોને ચેપ

27 March, 2020 11:13 AM IST  |  New Delhi | Agencies

25 રાજ્યોમાં થઈ કોરોનાની એન્ટ્રી, 650થી વધુ લોકોને ચેપ

સોશ્યલ ડિસ્ટન્સિંગનું શું? : ગરીબોને મફત ભોજનની નવી દિલ્હીમાં લંગરની આ તસવીર છે. એમાં ભોજન આપવાના સેવાધર્મને ભલે આપણે બિરદાવીએ પણ આ બધા વચ્ચે થોડું અંતર રખાવવાનું કેમ કોઈને સૂઝ્યું નહીં? તસવીર : પી.ટી.આઈ.

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ ૨૬ રાજ્યો સુધી પહોંચી ગયું છે. સંક્રમિતોનો આંકડો ૬૫૨ થયો છે. ૧૬ દિવસમાં ૧૭ પૉઝિટિવ દરદીઓનાં મોત થયાં છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ૬૫ વર્ષના દરદીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ૬૫ વર્ષની એક મહિલાનું મોત થયું છે. ગુજરાતના ભાવનગરમાં પણ ૭૦ વર્ષના વૃદ્ધ અને રાજસ્થાનના ભીલવાડામાં પણ એક દરદીએ જીવ ગુમાવ્યો છે. બુધવારે તામિલનાડુના મદુરાઈમાં, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં અને ગુજરાતના અમદાવાદમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની મહિલા થોડા દિવસો પહેલાં સઉદી અરબથી પાછી ફરી હતી. જોકે સારવાર બાદ ૪૭ લોકો પણ સ્વસ્થ થયા છે.

ખીણમાં કોરોના વાઇરસને લીધે પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. કોવિદ-૧૯થી સંક્રમિત એક દરદીએ શ્રીનગરની એક હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ડૉકટરોએ જણાવ્યું હતું કે શ્રીનગર શહેરની ચેસ્ટ ડિસિઝ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના વાઇરસથી સંક્રમિત ૬૫ વર્ષના દરદીનું મોત નીપજ્યું હતું. ડૉક્ટરે કહ્યું, તે વ્યક્તિ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીપણાથી પીડિત હતો, આજે (ગુરુવારે) વહેલી સવારે તેણે દમ તોડી દીધો. દરદી ધાર્મિક ઉપદેશકનો ભાગ હતો અને ખીણમાં પાછા ફરતાં પહેલાં વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાં તે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં સ્થાનિક જમાનાઓ, નર્સો અને પેરામેડિક્સના સંપર્કમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી સંક્રમિત ૬૫ વર્ષનાં મહિલાનું મોત નીપજ્યું છે. જોકે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે મહિલા કોરોના વાઇરસ પરીક્ષણમાં પૉઝિટિવ મળી હતી, પરંતુ મોતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ સાથે રાજ્યમાં આ વૈશ્વિક મહામારીથી મૃત્યુઆંક ચાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે વધુ બે લોકોને કોરોના વાઇરસથી ચેપ લાગ્યા બાદ આ જીવલેણ રોગથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧૨૪ થઈ ગઈ છે

national news new delhi coronavirus covid19