કોરોનાના પગલે રેલવેનો મોટો નિર્ણય: પ્રવાસ કરવા હવે ટિકિટની જરૂર નથી

03 June, 2020 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના પગલે રેલવેનો મોટો નિર્ણય: પ્રવાસ કરવા હવે ટિકિટની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને પગલે રેલવે પ્રવાસ દરમ્યાન ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ પાર્શ્વભૂમિ પર રેલવેએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે પ્રવાસીઓને રેલવે ટિકિટની જરૂર નહીં પડે, માત્ર માત્ર ક્યુઆર કોડથી પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

દરેક સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષા અર્થે આવવા અને જવા માટે અલગ અલગ રસ્તાની વ્યવસ્થા કરી છે. તે સિવાય થર્મલ સ્ક્રિનિંગ સિવાય પ્રવાસીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં નહીં આવે. તેમ જ પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ ટિકિટ લેવાની જરૂર નહીં પડે. સ્ટેશન પહોંચેલા પ્રવાસીઓએ સ્ક્રીનિંગ કરાવ્યા બાદ ગેટ પાસે રહેલા કર્મચારીને માત્ર ક્યુઆર કોડ બતાવવાનો રહેશે. કર્મચારી તેને ડિસ્ટન્સ રાખીને સ્કેન કરી લેશે. જેના આધારે યાત્રીનું બોર્ડિંગ કન્ફર્મ થઇ જશે. ક્યુઆર કોડના આધારે આરામથી ટ્રેનમાં સફર કરી શકાશે, તેવું રેલવે તંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું. ક્યુઆર કોડનો ડેટા સ્ટેશન પર મૂકેલાં મશીનમાં સેવ થઇ જશે. ત્યારબાદ રેલવે તંત્રની સિસ્ટમમાં ચાર્ટ પ્રિન્ટ થયેલો હશે. જેની માહિતી પહેલેથી પ્રવાસીને હોવાના કારણે તેને ચાર્ટની જરૂર રહેશે નહીં. આઈઆરસીટીસી દ્વારા રિઝર્વ ટિકિટ ધારકોને તેમના મોબાઈલ પર ક્યુઆર કોડ મોકલી દેવામાં આવશે. આજથી પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રેલવે દ્વારા પ્રયાગરાજ સ્ટેશન પર ક્યુઆર કોડ આધારિત રિઝર્વ ટિકિટ સ્કેનિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે હવે પછી ગુજરાત સહિત દેશભરની ટ્રેનોમાં લાગુ પડશે.

ઉપરાંત, કોવિડ સ્પેશ્યલ ટ્રેનમાં 5થી 12 વર્ષનાં બાળકોનું અડધું નહીં પરંતુ પુરું ભાડું વસુલવામાં આવશે. ટ્રેનોમાં ફેરિયાઓને પ્રવેશવાની પરવાનગી મળશે નહીં. બર્થ નહીં મળી હોય તેવા કોઈ પણ પ્રવાસીને ટ્રેનમાં પ્રવેશ મળશે નહીં.

coronavirus covid19 national news indian railways