મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશની બહારના શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ

18 July, 2020 05:48 PM IST  |  Ujjain | Gujarati Mid-day Online Correspondent

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશની બહારના શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના કેસ દેશ-વિદેશ દરેક જગ્યાએ વધી રહ્યાં છે. તે જ રીતે ઉજ્જૈનમાં પણ કોરોનાના કેસમાં સતત વધરો થઈ રહ્યો હોવાથી પ્રતિષ્ઠિત મહાકાલ મંદિરે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસની પાર્શ્વભૂમિ પર શનિવારે મંદિરની મેનેજમેન્ટ કમિટીએ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે માત્ર મધ્યપ્રદેશના રહેવાસીઓ જ બાબા મહાકાલના દર્શન કરી શકશે. બહારથી આવતા દર્શનાર્થીઓને અત્યારે મંદિરમાં પ્રવેશ નહીં મળે. ટોલ ફ્રી અને ઓનલાઈન બુકિંગ કરનારા બહારના ભાવિકોને આ નિયમ અંગે માહિતી આપવામા આવશે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નિર્ણય લેવામા આવશે.

મહકાલ મંદિરના પ્રશાસક સુજાનસિંહ રાવતે કહ્યું હતું કે, ઉજ્જૈનમાં અમુક દિવસોથી કોરોના કેસ ઘટ્યા હતા. ક્યારેક તો કેસ શૂન્ય સુધી પહોચ્યા હતા. જોકે છેલ્લા દસથી બાર દિવસોથી કેસની સંખ્યામાં ફરી વધારો થયો છે. તેમાં તપાસ કરી તો એ માહિતી સામે આવી કે મોટાભાગના કેસ એ લોકોના છે જે જેઓ બહારથી આવ્યા છે અથવા તો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા છે. તેથી રાજ્ય બહારના લોકોને અત્યારે દર્શનની મંજૂરી નહીં મળે. જે લોકો ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે તેમને મેસેજ આપવામાં આવશે કે, જો તમે મધ્યપ્રદેશના રહેવાસી ન હો તો અત્યારે બુકિંગ ન કરો. ટોલ ફ્રી નંબર પર કોલ આવશે તો તેમને પણ આ જ માહિતી આપવામાં આવશે.

નોંધનીય છે કે, લૉકડાઉન બાદ મંદિર 8 જૂને ફરી ખોલવામાં આવ્યું હતું.

coronavirus covid19 national news ujjain madhya pradesh