સંસદમાં પણ લૉકડાઉનઃ લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

24 March, 2020 12:19 PM IST  |  New Delhi | Agencies

સંસદમાં પણ લૉકડાઉનઃ લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

સંસદ

દેશમાં કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખીને સંસદની કાર્યવાહીને અનિશ્ચિત સમયગાળા સુધી સ્થગિત કરી દેવાઈ છે. સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશ્યલ અંતર રાખવાને મામલે સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશમાં કોરોના વાઇરસના વધતા જતા પ્રકોપને કારણે ટીએમસી અને શિવસેના સાંસદોએ આ અગાઉ જ સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો હતો. એનસીપી પ્રમુખ શરદ પવારે પણ પોતાના સાંસદોને પોત-પોતાના વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં લેવા માટેની સૂચના આપી હતી.
ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને પણ બન્ને સંસદમાં અધિકારીઓને આગ્રહ કરતાં કહ્યું હતું કે સંસદની કાર્યવાહીને બંધ કરી દેવી જોઈએ. સંસદના આ બજેટ સત્રનો બીજો તબક્કો ૩ એપ્રિલ સુધી ચાલવાનો હતો. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દુષ્યંતસિંહ સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયા હતા.

કનિકા કપૂરનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ લખનઉમાં તેની સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં હાજરી આપ્યા બાદ તેઓ સંસદની કાર્યવાહીમાં પણ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ કોવિંદ અને ત્યાં સામેલ તમામ નેતાઓએ પોતાના રિપોર્ટ કરાવ્યા હતા. જોકે સદ્ભાગ્યે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી સૌને આ મામલે હાશ થઈ હતી.

Lok Sabha Rajya Sabha national news new delhi