Coronavirus: ડૉક્ટરે આઠ વર્ષની દર્દીને 450 કિમી ડ્રાઇવ કરી ઘરે પહોંચાડી

07 April, 2020 10:20 AM IST  |  Kolkata | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: ડૉક્ટરે આઠ વર્ષની દર્દીને 450 કિમી ડ્રાઇવ કરી ઘરે પહોંચાડી

આ પ્રતિકાત્મક તસવીર છે.

કોલકાતાના એક ડૉક્ટરે અણીના સમયે એક નાનકડી દીકરીને મદદ કરી મસીહાનું કામ કર્યું. SSKM હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરે જોયું કે આંતરડાના ઓબસ્ટ્રક્શનની તકલીફ બાદ જે છોકરીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી તેને માટે ઘરે જવું મુશ્કેલ હતું. આઠ વર્ષની છોકરી હૉસ્પિટલમાં તેના માતા-પિતા સાથે નિસહાય બેઠી હતી કારણકે તે સાજી તો થઇ ગઇ હતી પણ તેમને માટે ઘરે જવાનો કોઇ રસ્તો ન હતો કારણકે લૉકડાઉન જાહેર થઇ ચૂક્યું હતું

આઠ વર્ષની એન્જેલા તેના માતા પિતા સાથે હૉસ્પિટલનાં પરિસરમાં બે દિવસ સુધી બેસી રહી. બે દિવસ પહેલાં તેને રજા તો મળી ગઇ હતી પણ તેઓ ઘરે જઇ શકે તેમ ન હતું. હૉસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે કામ કરતા બબલુ સરદારે આ પરિવારને હૉસ્પિટલ પરિસરમાં બેસી રહેલો જોયો. તેને ખ્યાલ આવ્યો કે આ પરિવાર પોતે ઘરે જવા માટે મદદ શોધી રહ્યો છે અને તે એમ્બ્યુલન્સ ડ્રાઇવર સાથે પૈસાની વાત કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સ ડ્રાઇવર તેમની પાસેથી 14000 રૂપિયા માગી રહ્યો હતો જે આ પરિવારને પોસાય તેમ નહોતું. આ પરિવારની કફોડી સ્થિતિએ બબલુ સરદારનું હ્રદય પિગળાવી દીધું અને તેમણે એન્જેલાના પિતા રાજેશ બાસ્કી સાથે વાત કરી. રાજેશ દાડિયા મજૂર તરીકે પથ્થર ફોડવાનું કામ કરે છે. બબલુએ જણાવ્યું કે, “હું તેમની સ્થિતિ સમજી શકતો હતો કે પૈસા ન હોવાને કારણે તેમને માટે ઘરે પહોંચવું મુશ્કેલ બની રહ્યું હતું અને લૉકડાઉન પણ હતું. નાનકડી એંજેલા સાથે તેના માતા-પિતા હતા ખરાં પણ ઘરે તેની નાની બહેન પણ હતી જે એકલી હતી. બાસ્કીએ મને કહ્યું કે અઠવાડિયા પહેલાં તેના બે ભાઇઓ ગુજરી ગયા હતા. તેમની દારૂણ પરિસ્થિતિ હચમચાવી નાખે તેવી હતી.” ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવેલા એક રિપોર્ટ અનુસાર બબલુ સરદારે બીજા દિવસે 10.00 વાગ્યે ડ્યુટી પર હાજર થવાનું હતું. તેણે નક્કી કર્યું કે તે રાતનું જમવાનું ટાળશે અને આ પરિવારને ઘરે પહોંચાડશે.તેણે કહ્યું કે, “અમે રાત્રે નવ વાગે SSKM હૉસ્પિટલથી નિકળ્યા અને રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ સુલુંગા પહોંચ્યા. આ 270 કિલોમિટરનું અંતર હતું. અમે ઇલ્લામ બઝાર પર પોલીસ ચેકનાકાને પસાર કર્યું અને તેમને આખી વાત જણાવ્યા બાદ તેમણે અમને આગળ જવા દીધા.” બબલુ સરદારનું પોસ્ટિંગ પહેલા દુબારીપુરમાં હતું એટલે તેને ઇલ્લામબઝારનો રસ્તો ખબર હતી પણ ત્યાંથી ઝારખંડની સરહદ પાસે આવેલા ગામડામાં જ્યાં આ પરિવારનું ઘર હતું ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. તે સ્ટેટ હાઇવેથી 15 કિલોમીટર હતો અને બબલુએ જણાવ્યું કે પરિવારની સ્થિતિ એવી હતી કે તેઓ તેને એક કપ ચ્હા સુદ્ધાં ન ઑફર કરી શક્યા પણ એન્જેલાના ચહેરાનું સ્મિત જ આ બધી જહેમતની શ્રેષ્ઠ ભેટ હતું. કુટુંબને મુકીને બબલુ પોતાની શિફ્ટ માટે બીજા દિવસે સમયસર હૉસ્પિટલ પહોંચ્યો અને આ ઘટના અંગે તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું પછી તેને બહુ શાબાશી મળી રહી છે.

coronavirus covid19 kolkata national news