Coronavirus: દેશમાં 24 કલાકમાં 2.71 લાખ નવા કેસ નોંધાયા, 314 મૃત્યુ

16 January, 2022 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તે જ સમયે 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28 ટકા થઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના અને કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 71 હજાર 202 નવા કેસ નોંધાયા છે, જ્યારે 314 લોકોનાં મોત થયાં છે. તે જ સમયે, ઓમિક્રોન વેરિયન્ટથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 7743 થઈ ગઈ છે.

આજે સવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 2,71,202 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 314 લોકોનાં મોત પણ થયાં છે. એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમણના 15,50,377 સક્રિય કેસ છે.

તે જ સમયે 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28 ટકા થઈ ગયો છે. ગઈકાલથી અત્યાર સુધીમાં 2369 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો તેના દર્દીઓ વધીને 7743 થઈ ગયા છે. ગઈકાલે 2 લાખ 68 હજાર 933 નવા કેસ સામે આવ્યા હતા.

દરમિયાન મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજાર 211 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોનાના નવા કેસોમાંથી 16.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, જેમાં ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે 32 ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં કોરોનાના 10,661 નવા કેસ નોંધાયા છે અને 11 લોકોનાં મોત થયાં છે.

national news