કોરોનાની બીજી ઇનિંગ્સે ફરીથી ઝડપ પકડી છે : એઇમ્સના ડિરેક્ટરની ચેતવણી

31 October, 2020 05:48 PM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાની બીજી ઇનિંગ્સે ફરીથી ઝડપ પકડી છે : એઇમ્સના ડિરેક્ટરની ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસનું સંક્રમણ અચાનક વધી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એઇમ્સના ડિરેક્ટર ગુલેરિયાએ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરનો ઇનકાર કરી દીધો છે. તેમણે વર્તમાન સ્થિતિને ઝડપી બની રહેલી બીજી લહેર ગણાવી હતી અને સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે.
એઇમ્સના ડિરેક્ટર ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર વધારે તેજ બનવા પાછળ સાવધાની રાખવામાં ઢીલાશ રાખવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોશ્યલ ડિસ્ટેન્સિંગનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવ્યું. માસ્ક લગાવવામાં પણ લોકોએ બેદરકારી રાખી છે.
ડૉ. ગુલેરિયાએ આમ થવા માટે હવામાન અને પ્રદૂષણને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે પ્રદૂષણને કારણે વાઇરસ વધારે સમય સુધી હવામાં ટકી રહે છે. પ્રદૂષણ અને વાઇરસ બન્ને લોકોના શરીરને ગંભીર
નુકસાન પહોંચાડે છે. કોરોના વાઇરસ હજી પણ ખતમ નથી થયો. યુરોપ સહિતના અન્ય દેશોનું ઉદાહરણ આપતાં ગુલેરિયાએ કહ્યું હતું કે માસ્ક જરૂર પહેરો. જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો સાવધાની રાખવામાં ન આવી તો કેસ હજી વધી શકે છે.
એઇમ્સના ડિરેક્ટરે કહ્યું કે યુવાઓ વાઇરસને લઈને બેદરકાર છે. તેમને લાગે છે કે આ એક સામાન્ય ચેપ છે અને આપણે કંઈ કરવાની જરૂર નથી. આ ધારણાને ખોટી ગણાવતાં ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે યુવાઓ વાઇરસને ઘરે લાવી રહ્યા છે અને વૃદ્ધો એના શિકાર બની રહ્યા છે.

national news coronavirus covid19