૧૨ જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે કોરોના વૅક્સિનેશન

08 January, 2021 11:26 AM IST  |  New Delhi | Agencies

૧૨ જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે કોરોના વૅક્સિનેશન

તસવીર સૌજન્ય જાગરણ

અનેક દિવસોની રાહ જોયા બાદ હવે વર્ષની શરૂઆતમાં દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ૧૨ જાન્યુઆરીથી દેશમાં કોરોનાનું વૅક્સિનેશન શરૂ થઈ શકે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ‘તમામ સંભવિત રીતે, કોવિડ રસીકરણ અભિયાન આવતા અઠવાડિયાની શરૂઆતમાં શરૂ થવાની અપેક્ષા છે. દરેક તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ રોલઆઉટ ૧૧ અથવા ૧૨ જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે.’
ઉલ્લેખનીય છે કે સરકારે ગુરુવાર મોડી સાંજથી અથવા શુક્રવારની વહેલી સવારથી કોરોનાની રસીને દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્પાદન એકમથી રસી સેન્ટ્રલ હબ પુણે પહોંચાડવામાં આવશે અને ત્યાંથી રિજનલ હબમાં પહોંચાડવામાં આવશે. જોકે આ બાબતે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. દવાને માન્યતા પ્રાપ્ત થતાંના ૧૦ દિવસમાં રસીનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. કોરોના રસીને દેશમાં ત્રીજી જાન્યુઆરીએ માન્યતા પ્રાપ્ત થઈ હતી.

આજે દેશના તમામ જિલ્લામાં બીજી વૅક્સિન ડ્રાય રન યોજાશે

દેશમાં રસીકરણ શરૂ થતાં પહેલાં આજે દેશના તમામ જિલ્લામાં દ્વિતીય વૅક્સિન ડ્રાય રન યોજાશે. હરિયાણા અને ઉત્તર પ્રદેશને બાદ કરતાં સમગ્ર દેશમાં બીજી ટ્રાયલ યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રસીકરણ અંગેની તૈયારીઓનું ફરીથી સરવૈયું લેવા માટે આ ડ્રાય રન યોજવામાં આવશે. આ ઉપરાંત મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ગુરુવારે સ્વાસ્થ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધન દેશનાં તમામ રાજ્યોના સ્વાસ્થ્યપ્રધાનો સાથે પણ રસીકરણ અંગે બેઠક કરી હતી.
એ દરમિયાન કર્ણાટકમાં ૫૦ જેટલા શિક્ષકો પૉઝિટિવ માલુમ પડતાં સંખ્યાબંધ શાળાઓ ફરી બંધ થઈ છે. કર્ણાટકમાં ૧ જાન્યુઆરીથી શાળાઓ ફરી શરૂ થયાં પછી મંગળવારે શાળાઓના ૫૦ જેટલા શિક્ષકો પૉઝિટિવ હોવાનું સામે આવતાં રાજ્યના શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો હતો. બેલાગાવી ખાતે ૨૨ શિક્ષકો પૉઝિટિવ માલુમ પડતાં તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે શિક્ષકોની કોરોના ટેસ્ટ થઈ હતી, જેમને કોરોનાનાં લક્ષણ માલુમ પડ્યાં છે તેમને શાળાએ ન આવવા સૂચના આપવામાં આવી છે.

national news coronavirus covid19