બે દિવસમાં કોરોના ટેસ્ટિંગ વધારીને બમણાં કરવામાં આવશે : અમિત શાહ

15 June, 2020 12:40 PM IST  |  New Delhi | Agencies

બે દિવસમાં કોરોના ટેસ્ટિંગ વધારીને બમણાં કરવામાં આવશે : અમિત શાહ

અમિત શાહ

કોરોના વાઇરસ સંક્રમણના જે ઝડપથી દિલ્હીમાં કેસ વધી રહ્યા છે તે અંગેની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે હાલત પર ચર્ચા કરવા માટે આજે બેઠક કરી હતી. બેઠકમાં દિલ્હીમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા, હૉસ્પિટલોમાં બૅડની ઉપલબ્ધતા, તપાસની સુવિધાઓ અને સ્વાસ્થ્યસંબંધી અન્ય માળખાગત સુવિધાઓમાં સુધાર પર ચર્ચા થઈ. બેઠકમાં દિલ્હીની જનતાની સુરક્ષા અને સંક્રમણને રોકવા માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયોની જાણકારી ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને આપી. તેમણે બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો અંગે અનેક ટ્વીટ કર્યાં જે આ મુજબ છે :
દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દરદીઓ માટે બૅડની અછતને જોતાં કેન્દ્રની મોદી સરકારે તરત ૫૦૦ રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે. આ રેલવે કોચથી દિલ્હીમાં ૮૦૦૦ બૅડ તો વધશે જ પરંતુ સાથે સાથે કોચ કોરોના સંક્રમણ સામે લડવા માટે તમામ સુવિધાઓથી સજ્જ હશે.
દિલ્હીના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કૉન્ટૅક્ટ મેપિંગ સારી રીતે થઈ શકે તે માટે ઘરે ઘરે જઈને દરેક વ્યક્તિનો વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. આ સાથે જ સારી રીતે મોનિટરિંગ થઈ શકે તે માટે ત્યાં દરેક વ્યક્તિના મોબાઇલમાં આરોગ્ય સેતુ અૅપ ડાઉનલોડ કરાવવામાં આવશે.
કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બમણાં કરાશે તથા ૬ દિવસ બાદ ટેસ્ટિંગને વધારીને ત્રણ ગણા કરાશે.
આ સાથે જ થોડા દિવસ બાદ કન્ટેઇનમેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
દિલ્હીની નાની હૉસ્પિટલો સુધી કોરોનાની યોગ્ય જાણકારી અને દિશાનિર્દેશ પહોંચાડવા માટે મોદી સરકારે એમ્સમાં ટેલિફોનિક ગાઇડલાઇન્સ દ્વારા વરિષ્ઠ ડૉક્ટર્સની એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી નીચલા સ્તર સુધી સર્વશ્રેષ્ઠ પ્રણાલીઓનો સંચાર થઈ શકે. આ માટે હેલ્પલાઇન નંબર કાલે જાહેર કરાશે.

delhi news coronavirus covid19 amit shah national news