કોરોના સંક્રમિતોનો આંકડો દેશમાં ૫૬,૦૦૦ને પાર : ૧૯૦૦નાં મોત

09 May, 2020 08:47 AM IST  |  Mumbai Desk | Agencies

કોરોના સંક્રમિતોનો આંકડો દેશમાં ૫૬,૦૦૦ને પાર : ૧૯૦૦નાં મોત

પ્રતીકાત્મક તસવીર

સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સવારે નવા આંકડા બહાર પાડ્યા હતા જેમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૫૬,૩૪૨ આવી છે. તે પૈકીના ૧૮૮૬ લોકોનાં મોત થયાં છે પરંતુ સદ્નસીબે ૧૬,૫૩૯ લોકો સાજા થયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૯૧૬ જેટલી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૩૯૦ કેસની પૃષ્ટિ થઈ છે અને ૧૦૩ લોકોનાં મોત થયાં છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૦થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત આવ્યા છે અને તેમાં માત્ર મુંબઈના દરદીઓની સંખ્યા ૬૮૦ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧૭,૯૭૪ છે અને તેમાંથી માત્ર મુંબઈના કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૧,૩૯૪ છે. મુંબઈના ૪૩૭ દરદીઓ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૪ દરદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ તરફ દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા વધીને ૫૯૮૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં નવા ૪૪૮ કેસ સામે આવ્યા છે જે એક જ દિવસનો રેકૉર્ડ સમાન આંકડો છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીમાં માત્ર છ જ દિવસમાં ૨૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ગત ૩૦ એપ્રિલ સુધી દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૩૩,૦૦૦ જેટલી હતી જે મે મહિનાના શરૂઆતના સાત દિવસોમાં જ વધીને ૫૬,૦૦૦ થઈ ગઈ છે. મતલબ કે છેલ્લા સાત જ દિવસમાં નવા ૨૩,૦૦૦ કેસ સામે આવ્યા છે.
તે સિવાય ૩૦મી એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે કુલ ૧૦૫૭ લોકોનાં મોત થયાં હતાં જે આંકડો વધીને ૧૮૮૬ થઈ ગયો છે. મતલબ કે છેલ્લા સાત દિવસમાં વધુ ૮૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે કોરોનાના કારણે લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે તે રાહતના સમાચાર છે. ૩૦મી એપ્રિલ સુધીમાં આશરે ૮૦૦૦ લોકો સાજા થયા હતા જે આંકડો હવે ૧૬,૦૦૦થી વધી ગયો છે. મતલબ કે સાજા થનારા લોકોની સંખ્યામાં બમણો વધારો થયો છે.

national news coronavirus covid19