ભારત માટે ફરી ખતરો બન્યો કોરોના: સાપ્તાહિક કોવિડ-૧૯ કેસોમાં 11 ટકાનો ઉછાળો

27 December, 2022 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે ભારતની સંખ્યા મોટાભાગે સ્થિર રહી છે

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ફરી એકવાર કોરોના (Coronavirus)ના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર સતત કરવામાં આવી રહી છે. ફરી એકવાર, બે મહિના બાદ સાપ્તાહિક કોવિડ-૧૯ (Covid-19) કેસોમાં થોડો વધારો થયો છે.

જોકે, વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે ભારતની સંખ્યા મોટાભાગે સ્થિર રહી છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં કેસોમાં થોડો વધારો થયો છે. કેસ વધવાનું કારણ દેશમાં ટેસ્ટિંગમાં વધારો પણ છે. ગયા અઠવાડિયે 1103 કેસ મુજબ, આ અઠવાડિયે 1219 કેસ નોંધાયા હતા, એટલે કે 11 ટકાનો વધારો થયો છે.

આ રાજ્યોમાં વધ્યો કોરોના

મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ તેમ જ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વધારો નવા વેરિઅન્ટના વધતા વ્યાપનો પ્રારંભિક સંકેત છે કે ચીનના ડરને ધ્યાનમાં રાખીને વધુ પરીક્ષણને કારણે આ ઉછાળો આવ્યો હોવાનું કહેવાય છે.

આ રાજ્યોમાં સાપ્તાહિક કોરોનાના કેસમાં વધારો

આ અઠવાડિયે, 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક કેસોમાં વધારો નોંધાયો છે. નવ રાજ્યોમાં કેસ ગયા અઠવાડિયાની સમાન સ્તરે રહ્યા હતા, જ્યારે 11 અન્ય રાજ્યોમાં આ અઠવાડિયે ઓછા કેસ નોંધાયા હતા, જે રાજ્યોમાં કેસ વધ્યા છે તેમાંથી પણ માત્ર રાજસ્થાન અને પંજાબમાં જ 30-30થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, કેરળમાં 31 કેસનો ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફ નવી મુસાફરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. બોકારો સ્ટીલ પ્લાન્ટે તેની બાયોમેટ્રિક સિસ્ટમ બંધ કરી દીધી છે. સ્ટીલના વડાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અહીં, જાહેર ક્ષેત્રના એકમના લગભગ 11,000 કર્મચારીઓ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Coronavirus: બિહારમાં કોરોનાની એન્ટ્રી, ગયા એરપોર્ટ પર 4 યાત્રી સંક્રમિત

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોનાના BF.7 વેરિઅન્ટએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. આ વેરિઅન્ટે ભારતમાં પણ દેખા દીધી છે. ત્યારથી કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો દ્વારા સતત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં કર્ણાટક સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. નવા વર્ષની ઉજવણીને લઈને આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

 

national news coronavirus covid19 india maharashtra