કોરોના ઇફેક્ટ, હજારો રેસ્ટોરાં બંધ, જંગી ખોટઃ લાખો બેકાર

23 March, 2020 03:06 PM IST  |  Mumbai Desk

કોરોના ઇફેક્ટ, હજારો રેસ્ટોરાં બંધ, જંગી ખોટઃ લાખો બેકાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ સામે લડવાના પ્રયાસમાં દેશભરમાં હજારો રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. ગુરગાંવમાં બુધવારે ટાઉન હોલ, વાઇન કંપની, વીસ્કી સામ્બા, મેમાગોટો જેવી લોકપ્રિય રેસ્ટોરાં બંધ થવામાં સામેલ હતી. દેશભરમાં અનેક શહેરોમાં મૉલ, રેસ્ટોરાં, પબ, જિમ, મૂવી થિયેટર્સ, સાપ્તાહિક બજારો બંધ કરવામાં આવ્યાં છે.

મંગળવારે નૅશનલ રેસ્ટોરન્ટ અસોસિયેશન ઑફ ઇન્ડિયાએ તેના સભ્યોને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૧ માર્ચ સુધી ડાઇન-ઈન કામગીરી બંધ કરવાની સલાહ આપી હતી. દેશમાં પાંચ લાખથી વધારે રેસ્ટોરન્ટ્‌સનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યા બાદ તેની ગંભીરતા વધી ગઈ છે.

ગુરગાવે કોઈ પણ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિ માટે લોકોને જાહેરમાં એકત્ર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચાલુ મહિનાના અંત સુધી આવા કોઈ પણ કાર્યક્રમમાં ૫૦થી વધારે લોકોને એકત્ર થવા નહીં દેવાય.

સાઇબર હબ ખાતે કામ કરતી લગભગ અડધી રેસ્ટોરાંને તેની અસર થવાની શક્યતા છે. સાઇબર હબમાં ડીએલએફ શૉપિંગ મૉલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પુષ્પા બેક્ટરે જણાવ્યું કે એક જવાબદાર કંપની તરીકે અમે સરકારનાં સૂચનોનું પાલન કરીએ છીએ.

ડાઇનિંગ ચેઇન કાફે દિલ્હી હાઇટ્‌સના સહસ્થાપક શરદ બત્રાએ જણાવ્યું કે અમે ગુરગાવમાં આજ રાતથી તમામ સ્ટોર્સ બંધ કરી રહ્યા છીએ. અમે મહારાષ્ટ્રમાં અમારા આઉટલેટ્‌સ પહેલેથી બંધ કરી દીધા છે. સરકાર કોવિદ-૧૯ને અંકુશમાં રાખવા માગે છે જે સારું પગલું છે પરંતુ સરકારે આ ઉદ્યોગને રાહત પૅકેજ આપવું જોઈએ જે હજારો લોકોને રોજગારી આપે છે.

ઍરલાઇનથી રિટેલ સુધી અનેક ઉદ્યોગોની જેમ હૉસ્પિટાલિટી સૅક્ટર પણ શટડાઉનના કારણે જંગી નુકસાનનો સામનો કરે છે. વાઇન કંપનીના સહસ્થાપક આશિષ કપૂરે કહ્યું કે સરકારનાં પગલાં હકારાત્મક છે પરંતુ અમારે જંગી ખોટ માટે તૈયાર રહેવું પડશે.

national news coronavirus covid19