દેશમાં સતત પાંચમા દિવસે વધ્યા કોરોનાના કેસ

22 February, 2021 11:17 AM IST  |  New Delhi | Agencies

દેશમાં સતત પાંચમા દિવસે વધ્યા કોરોનાના કેસ

દેશમાં સતત પાંચમા દિવસે વધ્યા કોરોનાના કેસ

દેશમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. દેશમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસ ૧,૪૫,૬૩૪ છે, જે કુલ કેસલોડના ૧.૩૨ ટકા જેટલા હોવાનું જણાવતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સંક્રમણથી કોઈ મૃત્યુ નોંધાયાં નથી તથા દેશના કુલ ઍક્ટિવ કેસમાંના ૭૪ ટકા કેસ કેરલા અને મહારાષ્ટ્ર આ બે રાજ્યમાં નોંધાયા છે. જોકે પાછળથી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તેમ જ પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ રોજ નોંધાતા કોવિડ-19 કેસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૨૬૪ નવા કેસ નોંધાયા છે. કુલ નવા કેસમાંથી ૮૫.૬૧ ટકા કેસ પાંચ રાજ્યમાં નોંધાયા છે, જેમાં રોજના ૬૨૮૧ કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ત્યાર બાદના ક્રમે ૪૫૬૦ કેસ સાથે કેરલા જ્યારે કે ૪૯૦ નવા કેસ સાથે કર્ણાટક છે. આમ માત્ર બે જ રાજ્ય મહારાષ્ટ્ર અને કેરલામાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ નવા કેસના ૭૭ ટકા કેસ નોંધાયા છે. ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણથી ૯૦ મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ૮૦ ટકા મૃત્યુ મહારાષ્ટ્ર (૪૦), કેરલા (૧૩) અને પંજાબ (૮) મૃત્યુ નોંધાયાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૬૬૭ લોકોને સ્વસ્થતા પ્રાપ્ત થયા બાદ ઘરે રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૦૬,૮૯,૭૧૫ લોકો રિકવર થયા છે.

national news coronavirus covid19