50 લાખ રૂપિયા લઈ જતી કારને આંતરીને જપ્ત કર્યા પછી ઇલેક્શન ઑફિસરે ચાવી ખોઈ નાખી

11 October, 2014 04:59 AM IST  | 

50 લાખ રૂપિયા લઈ જતી કારને આંતરીને જપ્ત કર્યા પછી ઇલેક્શન ઑફિસરે ચાવી ખોઈ નાખી

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પર પૂર્ણવિરામ મુકાવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે બોરીવલીમાં એક કારમાંથી ૫૦ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા પછી ઇલેક્શન સેલ ઑફિસરે એ કારની ચાવી ખોઈ દેતાં મોટી રામાયણ થઈ હતી. એક દિવસ પસાર થયા પછી પણ ચાવી નહીં મળતાં કારને ફૂટપટ્ટીથી ખોલીને જપ્ત કરવામાં આવેલી મતાનો કબજો લેવાની ફરજ પડી હતી.

પોલીસે કહ્યું હતું કે ‘બાવન વર્ષના ઇલેક્શન સેલ ઑફિસર રવીન્દ્ર ત્રંબક સંદાનસિહ અને તેમની ઇલેક્શન સેલ ટીમે ૫૦ લાખ રૂપિયા ભરેલી બૅગો ધરાવતી કાર જપ્ત કરી, પરંતુ તેમણે એ મતા પોલીસને સુપરત કરી નહોતી. તેમણે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ કારની ચાવી અને કૅશ સુપરત કરી નહોતી. જોકે કાર જપ્ત કરવામાં આવ્યા પછી BJPના ઉમેદવાર મનીષા ચૌધરીએ કારની ગુમાયેલી ચાવી બાબતે દાવો કર્યો હતો.’

પોલીસ-અધિકારીઓએ જણાવ્યા મુજબ ગ્થ્ભ્ના કાર્યકરો પક્ષના કામ બાબતનાં નાણાં ગુરુવારે સાંજે દાદરથી બોરીવલી લઈ જતા હતા. એ કાર નાકાબંધીમાં બોરીવલીના ફડકે બ્રિજ પાસે પોલીસ અને ઇલેક્શન કમિશનના સેલે પકડી હતી. એ પછી BJPના ઉમેદવાર મનીષા ચૌધરી અને પાર્ટીના કાર્યકરો ચંદ્રકાંત પાંડે તથા શશિકાન્ત કદમને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં લઈ જઈને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ‘ઇલેક્શન સેલ ઑફિસરે જપ્તી પછી કૅશ ગણી નહોતી અને એ પોલીસ-વિભાગને સુપરત પણ કરી નહોતી. એ ગાળામાં ઇલેક્શન સેલ ઑફિસર કારની ચાવી ખોઈ બેઠા હતા એ બહુ મોટી ગફલત હતી. એથી કૅશ એક આખો દિવસ કારમાં પડી રહી અને કોઈએ કાર ખોલી નહીં. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે પોલીસ અને  ઇલેક્શન સેલ ટીમે ચોર-લૂંટારા ખોલે એ રીતે કારને ફૂટપટ્ટીથી ખોલી હતી. પોલીસ કે ઇલેક્શન સેલ ટીમે કાર ખોલતી વખતે ડુપ્લિકેટ ચાવી ન બનાવી. સેફ્ટી માટે ઇલેક્શન સેલ ટીમે આખી ઘટનાનું રેકૉર્ડિંગ કર્યું હતું.’

ઝોન ૧૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર બાલસિંહ રાજપૂતે સ્પષ્ટતામાં કહ્યું હતું કે ‘કાર પકડાયા પછી ચાવી ઇલેક્શન સેલ ટીમે ખોઈ નાખી. આ ઇલેક્શન સેલ ટીમની ભૂલ છે. અમે અમારું કામ બરાબર કર્યું છે.’BJPના ઉમેદવાર મનીષા ચૌધરીની ટિપ્પણી જાણવાના અખબારી સંવાદદાતાઓના પ્રયાસો નિષ્ફળ ગયા હતા