કરો કરપ્શન, મેળવો પ્રમોશન

30 October, 2012 03:14 AM IST  | 

કરો કરપ્શન, મેળવો પ્રમોશન



પેટ્રોલિયમપ્રધાન એસ. જયપાલ રેડ્ડીને બદલવાના અને સલમાન ખુરશીદને પ્રમોશન આપીને વિદેશપ્રધાન બનાવવાના નિર્ણય બદલ યુપીએ સરકાર પર માત્ર વિરોધ પક્ષો જ નહીં, સાથીપક્ષોએ પણ પસ્તાળ પાડી છે. કેન્દ્રીય પ્રધાનમંડળમાં કરવામાં આવેલા મોટા ફેરફાર બાદ રાજકીય પક્ષોએ સરકાર પર કૉર્પોરેટ કંપનીઓના દબાણ સામે ઝૂકી જવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ખાસ કરીને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા સલમાન ખુરશીદને વિદેશપ્રધાન બનાવવામાં આવતાં તથા કોલસા કૌભાંડમાં આક્ષેપોનો સામનો કરી રહેલા પ્રધાન (નવીન જિંદાલ)ને ચાલુ રાખવામાં આવતાં સરકારની ટીકા થઈ રહી છે. યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જો કોઈ પ્રધાન સામે ભ્રષ્ટાચારનો આરોપ હોય તો તેને દૂર કરવો જોઈએ. સલમાન ખુરશીદને જે રીતે પ્રમોશન અપાયું છે એને કારણે સરકારની નિયત સામે સવાલો પેદા થાય છે.’

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે ‘સારા માણસોને પ્રમોશન મળવું જોઈએ, પણ કોલસાકૌભાંડમાં જેની સીધી સંડોવણીનો આરોપ છે એવા પ્રધાનને પણ ચાલુ રાખવામાં આવ્યા છે.’

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે લોકસભાની ચૂંટણી પહેલાં તેમના પ્રધાનમંડળમાં અંતિમ ફેરબદલ કર્યો હતો. તેમણે ૧૭ નવા ચહેરાને સ્થાન આપ્યું હતું, જ્યારે કેટલાક યુવાન પ્રધાનોને પ્રમોશન આપ્યું હતું તો કેટલાક પ્રધાનોનાં ખાતાંમાં ફેરબદલ કર્યો હતો. આ પહેલાં સાત પ્રધાનોએ પ્રધાનમંડળમાંથી રાજીનામાં આપ્યાં હતાં.

કૉર્પોરેટ કંપનીઓના ઇશારે એસ. જયપાલ રેડ્ડીની બદલી?


રવિવારે થયેલા પ્રધાનમંડળના ફેરબદલમાં એસ. જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી ખસેડીને સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી પ્રધાન બનાવવામાં આવ્યા છે. એવી અટકળો છે કે કેટલીક મોટી કૉર્પોરેટ કંપનીઓ વિરુદ્ધના નિર્ણયોને પગલે રેડ્ડીને દૂર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખુદ જયપાલ રેડ્ડી પણ તેમની બદલીથી નારાજ છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સભ્ય અરવિંદ કેજરીવાલે રિલાયન્સવિરોધી નિર્ણયોને કારણે જયપાલ રેડ્ડીને ખસેડવામાં આવ્યા હોવાનો સીધો આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘શારીરિક રીતે અક્ષમ લોકો માટેનું ભંડોળ ખિસ્સામાં સેરવી લેવાનો આરોપ છે એવા ખુરશીદને પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે જયપાલ રેડ્ડી જેવા પ્રામાણિક પ્રધાનની બદલી કરી દેવામાં આવી છે. આ રીતે સરકાર લોકોને એવો મેસેજ આપે છે કે જો તમે ભ્રષ્ટાચાર કરશો તો તમને પ્રમોશન મળશે અને જો પ્રામાણિક બનશો તો તમને છોડવામાં નહીં આવે.’