કોરોના સંકટ વચ્ચે અયોધ્યામાં ૧૦ જૂનથી શરૂ થશે રામમંદિરનું નિર્માણકાર્ય

08 June, 2020 02:38 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોના સંકટ વચ્ચે અયોધ્યામાં ૧૦ જૂનથી શરૂ થશે રામમંદિરનું નિર્માણકાર્ય

રામ મંદિર

અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરિસરમાં જમીન સમથળ કરવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાર બાદ ફાઉન્ડેશન બનાવવાની તૈયારીને લઈ એલઍન્ડટી કંપનીના અધિકારીઓએ પરિસરમાં ડેરા નાખ્યા છે, ત્યારે મંદિર નિર્માણની પ્રક્રિયા માટે પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે.

આ આયોજન પરિસર ખાતે આવેલા પ્રાચીન કુબેર ટીલા પર થશે જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે. આગામી ૧૦ જૂનના રોજ મહંત કમલ નયનદાસ અન્ય સંતો સાથે સવારે ૮ કલાકે પૂજનની શરૂઆત કરશે જે બે કલાક સુધી ચાલશે. ત્યારબાદ મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે.

શ્રીરામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયનદાસે જણાવ્યું કે ભગવાન રામે લંકા પર વિજયપ્રાપ્તિ પહેલાં ભગવાન રામેશ્વરની સ્થાપના કરીને અભિષેક કર્યો હતો માટે મંદિર નિર્માણ પહેલાં ભગવાન શશાંક શેખરનું પૂજન કરવામાં આવશે. વધુમાં તેમણે મંદિર નિર્માણની તૈયારી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવીને કોતરણી કરાયેલા પથ્થરોમાંથી જ મંદિર નિર્માણ કરાશે અને રામલલ્લા પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે તેમ કહ્યું હતું. જો કે તે પહેલાં રામજન્મભૂમિ ખાતેના કુબેર ટીલા પર ભગવાન શશાંક શેખરની આરાધના કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યનો પ્રારંભ થશે.

national news ayodhya ram mandir coronavirus covid19