લોકપાલ બિલ વિશે કૉન્ગ્રેસનો યુ-ટર્ન

02 December, 2011 06:18 AM IST  | 

લોકપાલ બિલ વિશે કૉન્ગ્રેસનો યુ-ટર્ન



નવી દિલ્હી: લોકપાલ બિલને તપાસી રહેલી સંસદીય સમિતિમાં વિભાજન થયું છે. બીજેપી, કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટી તથા ડાબેરી પક્ષોના ૧૦ મેમ્બરોએ સ્ટૅન્ડિંગ કમિટીના મુસદ્દા પર પોતાનો અસંતોષ વ્યક્ત કરતી ડિસેન્ટ નોટ નોંધાવી છે. એમ જણાય છે કે વડા પ્રધાન, સરકારના ગ્રુપ ‘સી’ના કર્મચારીઓ અને સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને બિલના કાર્યક્ષેત્રમાં લાવવાને મુદ્દે આ ડિસેન્ટ નોટ આપવામાં આવી છે. સમિતિના અમુક મેમ્બરોએ એવો આક્ષેપ કર્યો હતો કે કૉન્ગ્રેસ ફરી ગઈ છે. આ મેમ્બરે કહ્યું હતું કે ‘બુધવારે સ્ટૅન્ડિંગ કમિટીની મીટિંગમાં ‘સી’ વર્ગના કર્મચારીઓને લોકપાલના દાયરામાં રાખવા વિશે સમજૂતી સધાઈ હતી. જોકે કૉન્ગ્રેસ ફરી ગઈ હતી અને ગઈ કાલે ઓચિંતી સમિતિની બેઠક બોલાવીને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ‘સી’ ગ્રુપના કર્મચારીઓની લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બાદબાકી કરવામાં આવશે.’

સમાજવાદી પાર્ટીના નેતા અને સમિતિના સભ્ય શૈલેન્દ્ર કુમારે કહ્યું હતું કે ‘બુધવારે જ લોકપાલ બિલના મોટા ભાગના મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી તો ગઈ કાલે શા માટે મીટિંગ બોલાવવામાં આવી એનું મને આશ્ચર્ય થાય છે. મને નથી લાગતું કે સમિતિની ભલામણો શક્તિશાળી લોકપાલ માટેની છે.’

જોકે બીજી બાજુ કાયદા ખાતાના પ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘લોકપાલના દાયરામાં ‘સી’ ગ્રુપને મૂકવું કઠિન છે. સવાલ એ છે કે દિલ્હીમાં બેસનારા ૯ જણ કઈ રીતે લાખો સરકારી કર્મચારીઓ પર નજર રાખી શકશે.’

ટીમ અણ્ણાએ લોકપાલ બિલ સમિતિના ડ્રાફ્ટનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘લોકપાલનો સૂચિત મુસદ્દો સંસદમાં જે સેન્સ ઑફ હાઉસ હતી એનો વિરોધી છે. કૉન્ગ્રેસ કોર ગ્રુપની મીટિંગ બાદ સ્ટૅન્ડિંગ કમિટી ફરી ગઈ છે.’