ઇલેક્શનના રંગે રંગાયેલા બિહારમાં જામ્યું ‍વાક્યુદ્ધ

06 September, 2025 09:45 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ : બિહારનું ઇલેક્શન જીતવા માટે સરકારે બીડી પર ટૅક્સ ઘટાડ્યો, JDU : બિહારની ઓળખ કંઈ બીડી નથી, બુદ્ધિ છે જે તમારી પાસે નથી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

તાજેતરના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) રિફૉર્મ હેઠળ બીડી પર જાહેર થયેલા ૧૮ ટકા ટૅક્સને લઈને કેરલા કૉન્ગ્રેસે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં બીડી અને બિહારની તુલના કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ ટ્વીટને લઈને કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે બિહાર અને બિહારવાસીઓનું આ અપમાન છે.

જનતા દળ યુનાઇટેડ (JDU) દ્વારા પણ આ ટ્વીટની નિંદા કરવામાં આવી હતી. તેમના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે ‘બિહારની ઓળખ બીડીથી નથી. બિહાર તો બુદ્ધિમાનોનો પ્રદેશ છે. જગતજનની સીતામાતા અને સંતોની ધરતી બિહાર છે.’

જનતા દળના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ તો કૉન્ગ્રેસ પર કટાક્ષ કરતાં એક લાંબી પોસ્ટ લખી હતી. એમાં કહ્યું હતું કે ‘B પરથી બુદ્ધિ પણ થાય છે જે તમારી પાસે નથી. બિહારના લોકો આ અપમાનનો બદલો બીડીના ધુમાડાથી નહીં, વોટની ચોટથી આપશે.’ જોકે કૉન્ગ્રેસે આ વિવાદમાં પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ‘બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે જ તો કેન્દ્ર સરકારે બીડી પરનો GST ઘટાડ્યો છે. એનો સ્પષ્ટ અર્થ છે કે બીડી અને બિહાર વચ્ચે સંબંધ છે.’

કેરલા કૉન્ગ્રેસના હૅન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી માહિતીમાં એક ચાર્ટ દર્શાવવામાં આવ્યો હતો. આ ચાર્ટમાં સિગારેટ, તમાકુ અને બીડી પરના પહેલાંના અને નવા GSTની તુલના કરવામાં આવી હતી. સિગારેટ અને તમાકુ પર GST ૨૮ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવ્યો હોવાની તથા બીડી પર GST ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હોવાની વિગતો આ ચાર્ટમાં દર્શાવાઈ હતી. આ ચાર્ટ સાથે ટ્વીટમાં એવું લખાણ કરવામાં આવ્યું હતું કે બિહાર અને બીડી બન્ને B પરથી શરૂ થાય છે એટલે હવે એને પાપ ન ગણી શકાય. જોકે વિવાદ વકરતાં કેરલા કૉન્ગ્રેસે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

kerala bihar bihar elections congress political news bhartiya janta party bjp goods and services tax janata dal united national news news indian politics