લદાખમાં ચીનની ઘૂસણખોરીના મામલે મોદી સરકારની નીતિ ‘ડીડીએલજે’ જેવી : કૉન્ગ્રેસ

31 January, 2023 11:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જયરામ રમેશે કહ્યું કે હજારો એકર જમીન ચીને પચાવી પાડી હોવા છતાં સરકાર આ વાતને નકારે છે તેમ જ ખોટું બોલીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે

કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશ

નવી દિલ્હી : વિદેશપ્રધાન એસ. જયશંકરે કરેલા હુમલાના જવાબમાં વિપક્ષે કેન્દ્ર સરકારની ચીન નીતિને લઈને ફરી ટીકા કરી છે. કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ચીન મુદ્દે મોદી સરકાર ડીડીએલજે નીતિ અપનાવી રહી છે. ડીડીએલજે સમજાવતાં તેમણે કહ્યું કે ડીનાઇ(નકારી કાઢી), ડિસ્ટ્રેક્ટ (ધ્યાન ભટકાવો), લાઇ(જૂઠું બોલો), જસ્ટિફાય (ઉચિત ગણાવો). તેમણે કહ્યું કે મોદી સરકારનું કોઈ પણ જૂઠ આ વાતને છુપાવી નહીં શકે. છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારે ભારતને મળેલા સૌથી મોટા આંચકાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મે ૨૦૨૦માં લદાખમાં ભારતે ૬૫ પૈકી ૨૬ પોસ્ટ પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું છે. તેમણે વિદેશપ્રધાન દ્વારા ચીને કરેલી ઘૂસણખોરી પર આપવામાં આવેલા વક્તવ્યને નિષ્ફળ ચીન નીતિ પરથી ધ્યાન ભંગ કરવાનો નવો પ્રયાસ ગણાવ્યો હતો.

આ પણ વાંચો :  પૂર્વ લદાખમાં ભારતે ૬૫માંથી ૨૬ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ ગુમાવ્યાં

તાજેતરમાં વિદેશપ્રધાન જયશંકરે કહ્યું હતું કે ‘ભારતીય જમીન પર કબજો કરવાનો પ્રયાસ ૧૯૬૨માં થયો હતો, પરંતુ વિપક્ષ આ વાતને છુપાવે છે તેમ જ એવી વાત કરે છે જાણે કબજો હમણાં જ થયો હોય.’ કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે ૧૯૬૨ની લડાઈ અને મે ૨૦૨૦માં લદાખમાં જે થયું એની વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. ૧૯૬૨માં ભારતે પોતાની જમીન બચાવવા માટે ચીન સાથે યુદ્ધ કર્યું હતું, તો ૨૦૨૦માં ભારતે પહેલાં તો અસ્વીકાર કર્યો, બાદમાં ચીનની આક્રમકતાનો સ્વીકાર કર્યો. ત્યાર બાદ વાતચીત થઈ જેમાં ભારતે હજારો ચોરસ કિલોમીટર સુધી પોતાની પહોંચ ગુમાવી દીધી.’

national news china ladakh leh new delhi narendra modi dilwale dulhania le jayenge indian government congress jairam ramesh