નવી દિલ્હીમાં શરૂ થઈ બુકલેટ ને ડાયરી-વૉર

02 December, 2014 06:04 AM IST  | 

નવી દિલ્હીમાં શરૂ થઈ બુકલેટ ને ડાયરી-વૉર



નવી દિલ્હીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લેવા માટે અજબ પ્રકારનું યુદ્ધ શરૂ થયું છે. પશ્ચિમ બંગમાં ચિટ ફન્ડ કૌભાંડને કારણે ઘેરાયેલી તૃણમૂલ કૉન્ગ્રેસે (TMC) લાલ ડાયરી અને કૉન્ગ્રેસે યુ-ટર્ન નામની પુસ્તિકા મારફતે કેન્દ્ર સરકારને નિશાન બનાવી છે.

સંસદમાં ગઈ કાલે TMC અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. લોકસભા અને રાજ્યસભા બન્નેમાં TMCના સભ્યોએ લાલ ડાયરીની કૉપીઓ પ્રદર્શિત કરી હતી. સહારા જૂથના વડા સુબ્રત રૉય પાસેથી મળી આવેલી આ ડાયરીમાં BJPના પ્રમુખ અમિત શાહનું નામ હોવાનો દાવો પણ TMC કર્યો હતો.

લોકસભામાં ગૃહની વચ્ચે સૂત્રોચ્ચાર કરતા ધસી ગયેલા TMCના સભ્યોએ માગણી કરી હતી કે લાલ ડાયરીમાં અમિત શાહનું નામ છે એની સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) કયાં પગલાં લીધાં એનો ખુલાસો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરવો જોઈએ. એ પછી TMCના સભ્યો વૉકઆઉટ કરી ગયા હતા.

બીજી તરફ કૉન્ગ્રેસે નરેન્દ્ર મોદી સરકારે છ મહિનાના કાર્યકાળમાં જે વચનોના મુદ્દે ફેરવી તોળ્યું હતું એનું વિવરણ કરતી એક બુકલેટ નવી દિલ્હીમાં ગઈ કાલે બહાર પાડી હતી.