રાહુલે ઠપકો આપતાં ગેહલોટે ઝૂકવું પડ્યું

23 September, 2022 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ કેરાલામાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે...

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે મજબૂત રીતે સંકેત આપી દીધો હતો કે કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટેની ચૂંટણીમાં સૌથી આગળ હોવાનું મનાતા અશોક ગેહલોટ જો જીતી જાય તો તેઓ એકસાથે બે પદ પર ન રહી શકે, જેના લીધે તેમના હરીફ સચિન પાઇલટ કદાચ રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે તેમનું સ્થાન લઈ શકે છે.

રાહુલ ગાંધીએ કેરાલામાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમે ઉદયપુરમાં કમિટમેન્ટ આપ્યું હતું, મને અપેક્ષા છે કે આ કમિટમેન્ટનું પાલન થશે.’

ગહલોટ કૉન્ગ્રેસના અધ્યક્ષના પદ માટે ગાંધીપરિવારની ચૉઇસ છે, પરંતુ તેમને ચિંતા છે કે જો તેઓ ચૂંટાઈ આવશે તો તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. એવી સ્થિતિ​માં ગેહલોટનું સ્થાન કદાચ તેમના કટ્ટર હરીફ સચિન પાઇલટને મળશે.

કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટે હવે પાંચ જણ રેસમાં

કૉન્ગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં અશોક ગેહલોટ અને શશી થરૂરનાં નામ લગભગ કન્ફર્મ ગણાય છે. બુધવારે દિગ્વિજય સિંહે એક ઇન્ટરવ્યુમાં હિન્ટ આપી હતી કે તેઓ પણ આ ચૂંટણી લડી શકે છે. હવે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલ નાથ પણ આ લિસ્ટમાં જોડાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

national news congress rahul gandhi Ashok Gehlot