29 September, 2023 08:38 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર: એક્સ (ટ્વિટર)
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની છેલ્લા કેટલાક દિવસોમાં અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે. તે સામાન્ય લોકોની વચ્ચે સમય વિતાવી રહ્યા છે. પહેલા રાહુલ ગાંધીનો મિકેનિક લુક જોવા મળ્યો હતો. જે બાદ રાહુલ ગાંધી આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કુલીઓ વચ્ચે જોવા મળ્યા હતા. ત્યારે હવે ગુરુવારે રાહુલ ગાંધી દિલ્હીના કીર્તિનગરમાં એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સુથાર સાથે વાત કરી. તેમના કામ વિશે જાણ્યું હતું. એટલું જ નહીં, રાહુલ ગાંધી કરવત અને હથોડીથી ફર્નિચર બનાવવામાં પણ હાથ અજમાવતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતા કૉંગ્રેસે લખ્યું, "રાહુલ ગાંધી દિલ્હીના કીર્તિનગરમાં એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં પહોંચ્યા. ત્યાં તેઓ સુથાર ભાઈઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. તેમની કુશળતાને નજીકથી જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો. ભારત જોડો, પ્રવાસ ચાલુ રહેશે.."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને કારીગરો ખુશ થઈ ગયા હતા. રાહુલે કારીગરો પાસેથી તેમના કામ અને સમસ્યાઓ વિશે જાણ્યું હતું. કૉંગ્રેસના સાંસદ ટ્રોવેલનો ઉપયોગ કરીને માપ લેતા જોવા મળ્યા હતા.
આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત કરી
હાલમાં જ રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. કુલીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમણે કુલી તરીકે કામ કર્યું અને મુસાફરોનો સામાન ઉપાડ્યો હતો. તેમનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ પહેલા તેમણે હરિયાણામાં ટ્રેક્ટર ચલાવ્યું હતું.
કરોલ બાગના બાઇક મિકેનિક્સને મળ્યા
તે પહેલા રાહુલ ગાંધી કરોલ બાગ માર્કેટ પહોંચ્યા હતા. તેણે ઘણા બાઇક મિકેનિક્સ સાથે વાત કરી. તેમની પાસેથી વિવિધ પ્રકારના મશીનો વિશે શીખ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મિકેનિક્સને કહ્યું કે તેમની પાસે KTM 390 પણ છે, પરંતુ પ્રોટોકોલને કારણે તેને ચલાવી શકતા નથી. તે જ સમયે, મિકેનિકના લગ્નના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું કે `જો તમે ઇચ્છો તો અમે કરીશું.`