ફાઇવસ્ટાર કલ્ચરથી ચૂંટણી ન જીતી શકાય

23 November, 2020 01:53 PM IST  |  New Delhi | Agencies

ફાઇવસ્ટાર કલ્ચરથી ચૂંટણી ન જીતી શકાય

ફાઇવસ્ટાર કલ્ચરથી ચૂંટણી ન જીતી શકાય

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના કંગાળ પ્રદર્શન બાબતે કપિલ સિબલે આક્રોશ વ્યક્ત કર્યા પછી પક્ષના બીજા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ નેતૃત્વ તરફ અસંતોષ વ્યક્ત કર્યો હતો. કૉન્ગ્રેસમાં અનેક હોદ્દા શોભાવી ચૂકેલા કાશ્મીરી નેતા ગુલામ નબી આઝાદે પક્ષમાંથી ફાઇવસ્ટાર કલ્ચર અને વીઆઇપી કલ્ચર ખતમ કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ‘કઈ વ્યક્તિ નેતૃત્વ સંભાળે છે એ મુદ્દો નથી પરંતુ પક્ષના સમગ્ર તંત્ર, કાર્યપદ્ધતિ, વલણ અને વર્તનમાં મૂળભૂત સુધારાની જરૂર છે. નેતા નહીં, સિસ્ટમ બદલવાની જરૂર છે. પક્ષના કાર્યકરો અને નેતાઓ ફાઇવસ્ટાર હોટેલો તેમ જ વીઆઇપી સુવિધાઓનો મોહ છોડીને પક્ષના વિકાસ અને સંવર્ધન માટે સમર્પિત બને એ જરૂરી છે. તો જ ચૂંટણી જીતી શકાશે. તળિયાના સ્તરે પક્ષ નબળો પડ્યો છે. બ્લૉક લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર કૉન્ગ્રેસીઓનું જનતા સાથેનું કનેક્શન તૂટી ગયું છે. બ્લૉક, ડિસ્ટ્રિક્ટ લેવલ પર હોદ્દેદાર બનતા કાર્યકરો લેટરપૅડ અને વિઝિટિંગ કાર્ડ્સ છપાવવાથી કામ પૂરું થઈ ગયું એવું સમજે છે.’ અગાઉ કપિલ સિબ્બલ પણ પોતાની નારાજગી વ્યકત કરી ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે એક રાષ્ટ્રીય પક્ષ છેલ્લા દોઢ વર્ષથી પક્ષપ્રમુખ વગર કઈ રીતે કામ કરી શકે.

national news ghulam nabi azad