લોકસભાના સૌથી ધનવાન સંસદસભ્ય પાસે કાર નથી

29 March, 2024 09:46 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના મધ્ય પ્રદેશના નકુલનાથની ૭૦૦ કરોડ રૂપિયાની અધધધ સંપ‌ત્તિ

લોકસભાના સૌથી ધનવાન સંસદસભ્ય પાસે કાર નથી

મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના એકમાત્ર ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે અને તે છે છિંદવાડાના હાલના સંસદસભ્ય નકુલનાથ. ગઈ કાલે તેમણે ચૂંટણીનું ફૉર્મ ભરતી વખતે દાખલ કરેલા ઍફિડેવિટમાં ૭૦૦ કરોડ રૂપિયાની ઍસેટ જાહેર કરી છે.

ઍફિડેવિટ અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના પુત્ર નકુલનાથની સંપત્તિમાં ૪૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

૨૦૧૯માં લોકસભાના ૪૭૫ કરોડપતિ સભ્યોની યાદીમાં નકુલનાથ પ્રથમ સ્થાને હતા એમ અસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફૉર્મ્સે (ADR) જણાવ્યું હતું. 

ઉદ્યોગપતિ રાજકારણી નકુલનાથે ૨૦૧૯માં છિંદવાડાની બેઠક પરથી ચૂંટણી લડી ત્યારે ૬૬૦ કરોડ રૂપિયાની ઍસેટ જાહેર કરી હતી. એ સમયે તેઓ રાજ્યમાંથી એકમાત્ર વિજયી કૉન્ગ્રેસ ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૨૯ બેઠકોમાંથી ૨૮ બેઠકો મેળવી હતી.

અહીં એ વાત ઉલ્લેખનીય છે કે નકુલનાથ અવારનવાર વિમાનનો ઉપયોગ કરે છે, પરંતુ તેમની પાસે કાર ન હોવાનું ઍફિડેવિટમાં જણાવ્યું છે. 

મુખ્ય પ્રધાન મોહનલાલ યાદવે તાજેતરમાં એક ચૂંટણી-રૅલીને સંબોધતાં જણાવ્યું હતું કે ‘નકુલનાથ તો બહુ મોટા નેતા છે. તેઓ પોતાના ઘરમાં એક નહીં પણ બે હે​લિકૉપ્ટર રાખે છે. તેઓ પાછા ફરે ત્યારે હેલિકૉપ્ટર સીધું તેમના ઘરમાં જ ઊતરે છે.’

છિંદવાડાની બેઠક ૧૯૫૨થી કૉન્ગ્રેસનો ગઢ છે. આ બેઠક પરથી BJPને એક જ વાર વિજય મળ્યો છે. 

Lok Sabha Election 2024 congress Lok Sabha madhya pradesh national news