એક તરફ સ્વચ્છતા અભિયાન અને બીજી તરફ ઝેરનો ફેલાવો

14 November, 2014 05:59 AM IST  | 

એક તરફ સ્વચ્છતા અભિયાન અને બીજી તરફ ઝેરનો ફેલાવો




દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સવાસોમી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે કાર્યક્રમમાં કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને બીજી તરફ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. ક્રોધ અને ગુસ્સાવાળા લોકો દેશ ચલાવી રહ્યા છે.

વડા પ્રધાન પર નિશાન તાકતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘નફરતનો અંત માત્ર પ્રેમ વડે જ લાવી શકાય છે અને એ કામ કૉન્ગ્રેસ જ કરી શકે એમ છે. જવાહરલાલ નેહરુએ એમની ડાયરીમાં લખ્યું હતું કે મને જેલમાં રાખવા બદલ હું અંગ્રેજોને ધન્યવાદ કહેવા ઇચ્છું છું. જેલમાં રહેવાને કારણે મારો ગુસ્સો પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો હતો.’

નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ફોટા પડાવવાની તક માત્ર ગણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજકાલ પ્રેમ અને ભાઈચારાના પાયાને તોડી પાડવામાં આવી રહ્યો છે. ઘરોને રંગરોગાન કરવામાં આવે છે અને રસ્તાઓને સાફ કરવામાં આવે છે, એના ફોટા પડાવવામાં આવે છે એનાથી વિશેષ કંઈ નથી થતું.

એક પછી એક ચૂંટણીમાં થઈ રહેલી પક્ષની હારથી હતોત્સાહ કૉન્ગ્રેસી કાર્યકરોને પાનો ચડાવતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘જવાહરલાલ નેહરુ આજે જીવંત હોત તો એમણે કહ્યું હોત કે એક થઈ જાઓ, સંગઠનને મજબૂત કરો.’

રાહુલ ગાંધીની તો આખી કરીઅર ફોટો-ઑપોચ્યુર્નિટી

કૉન્ગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખે કરેલી ટીકાનો જવાબ આપતાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીની તો આખી કારકર્દિી પ્રસિદ્ધિ મળે એવા ફોટો પડાવવામાં ગઈ છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું, દલિતોના ઘરે જવાનું અને વટહુકમને ફાડી નાખવાનું કામ ફોટો ઑપોચ્યુર્નિટી નથી તો બીજું શું છે? ગાંધી સરનેમના વારસાને બાકાત રાખવામાં આવે તો રાહુલ ગાંધીએ બીજી કઈ સિદ્ધિ મેળવી છે?’