આ વર્ષે ટ્રેન્ડમાં છે ગણેશજીના કમ્પ્યુટરાઇઝ્ડ મકર

17 September, 2012 09:50 AM IST  | 

આ વર્ષે ટ્રેન્ડમાં છે ગણેશજીના કમ્પ્યુટરાઇઝ્ડ મકર




ગણેશોત્સવ નાનાથી લઈને મોટા સુધી બધાનો જ ફેવરિટ છે અને સુંદર મૂર્તિઓ સાથે સુંદર રીતે કરેલું ડેકોરેશન તહેવારનો ચાર્મ વધારે છે. જોકે હવે લોકો ઇકો-ફ્રેન્ડ્લીના કૉન્સેપ્ટને થોડો વધુ સિરિયસલી લઈ રહ્યા છે અને તહેવાર બીજા માટે નુકસાનકર્તા ન બની જાય એ માટે નવી-નવી કોશિશો કરતા રહે છે. ગણેશ ઉત્સવમાં મૂર્તિ વિસર્જન કર્યા બાદ દરિયાને ખૂબ નુકસાન થાય છે. પાણી પ્રદૂષિત થાય છે. ડેકોરેશનમાં વપરાયેલું થમોર્કોલ નૉન-બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોવાથી એ પ્રાણીઓ માટે હાનિકારક બને છે. આજકાલ લોકો થમોર્કોલને બદલે કમ્પ્યુટરાઇઝ્ડ ડેકોરેશન પણ અપનાવી રહ્યા છે જેમાં થમોર્કોલ જેવા કોઈ મટીરિયલનો વપરાશ નથી થતો. હવે ગણપતિ બાપ્પાની પધરામણીને એકાદ-બે દિવસ રહી ગયા છે ત્યારે જોઈએ એને ઇકો-ફ્રેન્ડ્લી બનાવવાના કેટલાક ઉપાયો.

ઇકો-ફ્રેન્ડ્લી ગણેશ મૂર્તિઓ

ગોઇંગ ગ્રીન હવે નવો મંત્ર બન્યો છે ત્યારે કેમિકલ, પ્લાસ્ટર ઑફ પૅરિસ, પ્લાસ્ટિક વગેરેનો વપરાશ થયો હોય એવી મૂર્તિઓને બદલે માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ લાવો જે પાણીમાં પૂરી રીતે પીગળી જાય છે. આ મટીરિયલ બાયોડિગ્રેડેબલ હોય છે અને પીગળ્યા બાદ આજુબાજુના પરિસરને નુકસાન નથી પહોંચાડતું. આવી મૂર્તિઓ પર રંગો પણ ઑર્ગેનિક જ વાપરવામાં આવ્યા છે. જોકે આ મૂર્તિઓ રેગ્યુલર પીઓપીની મૂર્તિઓ કરતાં થોડી મોંઘી હોય છે. આ મૂર્તિઓને સાઢૂ માટીની મૂર્તિઓ પણ કહેવાય છે.

એનર્જી બચાવો

ડેકોરેશનમાં સજાવવામાં આવેલી લાઇટોને ફક્ત આરતી અને પૂજા વખતે, સાંજે કે પછી જરૂર પડે ત્યારે જ વપરાશમાં લો. મોટા ભાગે ખૂબ વૉલ્ટેજ ખેંચતા બલ્બને બદલે કૉમ્પૅક્ટ ફ્લોરેસન્ટ લાઇટ એટલે કે સીએફએલ ટ્યુબ વાપરો. સીએફએલ ટ્યુબ્સ એનર્જી એફિશ્યન્ટ હોય છે અને સાદા બલ્બની સરખામણીમાં ખૂબ મોટા પ્રમાણમાં વીજળીનો બચાવ કરે છે. જો રંગબેરંગી ઇફેક્ટ આપવી હોય તો ટ્યુબ પર રંગીન કાગળ પણ વીંટાળી શકાય.

કમ્પ્યુટરાઇઝ્ડ મકર

છેલ્લાં બે વષોર્થી આ એક નવો ટ્રેન્ડ આવ્યો છે જેને ઇકો-ફ્રેન્ડ્લી મકર એવું પણ નામ આપવામાં આવ્યુ છે જેમાં કમ્પ્યુટર પર જોઈએ એ સ્ટાઇલનું ગણપતિ બાપ્પાનું મંદિર એટલે કે મકર ડિઝાઇન કરવામાં આવે છે અને ત્યાર બાદ એની પ્રિન્ટ કાઢી બૅનર બનાવવામાં આવે છે જેને ગણપતિની મૂર્તિની પાછળ ફક્ત રાખવાનું હોય છે. આ ડિજિટલ મકરમાં થ્રી-ડી ઇફેક્ટ પણ આપી શકાય છે તેમ જ જોઈતી રંગછટા મેળવી શકાય છે. આ રીતે આ ડેકોરેશન પર્યાવરણને પણ નુકસાન નથી પહોંચાડતું અને વધુપડતી જગ્યા પણ નથી રોકતું.

પ્લાસ્ટિકને તિલાંજલિ

પ્રસાદ વહેંચવાં, ફળો ધરવાં તેમ જ બીજી કેટલીયે ચીજો માટે ગણેશોત્સવ દરમ્યાન પ્લાસ્ટિકની થેલીઓનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવો જોઈએ, પણ જો એમ કરવું શક્ય ન હોય તો પ્લાસ્ટિકના કોઈ પણ કચરાને વિસર્જન પહેલાં જ દરિયાકિનારે રાખેલા નર્મિાલ્ય કળશમાં નાખી દો જેથી આ પ્લાસ્ટિકનો ભાર સમુદ્રે ન ઉઠાવવો પડે. લોકોને પ્રસાદ આપવા માટે પણ પ્લાસ્ટિકમાંથી બનાવેલા કપ કરતાં પાનમાંથી બનાવેલા પડિયા અથવા કેળાના પાનના ટુકડા વાપરી શકાય.

ધ્વનિપ્રદૂષણ

આસપાસનાં પરિસરને ડિસ્ટર્બ કરે એવું લાઉડ મ્યુઝિક વગાડવાનું ટાળો. મોટા ભાગે ધાર્મિક તહેવારોના નામે લાઉડ હિપ-હૉપ મ્યુઝિક વગાડવામાં આવતું હોય છે જે અવૉઇડ કરવું જોઈએ. એના કરતાં તબલાં, મૃદંગ, શહેનાઈ જેવાં વાદ્યોથી સંગીત વગાડવું જોઈએ. એ જ પ્રમાણે વધારે અવાજ કરતા ફટાકડા પણ ન ફોડવા, કારણ કે ફટાકડાથી નૉઇઝ પૉલ્યુશન થવાની સાથે પર્યાવરણમાં રહેલા બીજા જીવોને પણ ખૂબ નુકસાન થાય છે. ઇકો-ફ્રેન્ડ્લીનો આગ્રહ રાખતા હો તો ફક્ત મૂર્તિ અને ડેકોરેશન જ નહીં, આ બધી બાબતોમાં પણ ધ્યાન રાખવું પડશે.

પર્યાવરણને આપો માન

ઉત્સવ સેલિબ્રેટ કરીને બાપ્પાને ખુશ કરતા હો ત્યારે પર્યાવરણ અને મધર નેચરને માન આપો. તમે તો ઇકો-ફ્રેન્ડ્લી રીતે તહેવાર ઊજવો જ સાથે બીજાને પણ આવું કરવા માટે પ્રેરિત કરો. લોકોને પણ ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ વાપરવાની સલાહ આપો. ઉત્સવ દરમ્યાન વપરાયેલાં ફૂલોને એકઠાં કરી એને ગાર્ડનમાં ફર્ટિલાઇઝર તરીકે પણ વાપરી શકાય.