ગૌરક્ષકોના હુમલાના બનાવો અગાઉની સરકારોના સમયમાં વધારે બનતા હતા : અમિત શાહ

03 July, 2017 07:18 AM IST  | 

ગૌરક્ષકોના હુમલાના બનાવો અગાઉની સરકારોના સમયમાં વધારે બનતા હતા : અમિત શાહ

ગૌહત્યા અને ગોમાંસના આહારના મુદ્દે ટોળાના આક્રમક અને જીવલેણ હુમલા બાબતે વ્યાપક ટીકાઓનું નિશાન બનેલા શાસક પક્ષ BJPના પ્રમુખ અમિત શાહે એ ઘટનાઓને ગંભીર ગણાવતાં જણાવ્યું હતું કે એ પ્રકારના બનાવો NDAના ત્રણ વર્ષના શાસનકાળમાં બન્યા એના કરતાં વધારે બનાવો અગાઉની સરકારોના શાસનકાળમાં બની હતી.

ગોવાની રાજધાની પણજીમાં પ્રોફેશનલ્સના મેળાવડાને સંબોધતાં કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘ગૌહત્યા કે ગોમાંસના આહારના મુદ્દે હુમલાની ઘટનાઓ પછી ક્યાંય પણ આશંકાઓ કે ભય ફેલાયાં નથી. હું તાજેતરની ગૌરક્ષાના નામે હિંસાની ઘટનાઓની સરખામણી કરવા કે એમની ગંભીરતા ઓછી આંકવા ઇચ્છતો નથી. હું એ બાબતે ખૂબ ગંભીર છું, પરંતુ ગૌરક્ષાના નામે હિંસાની ઘટનાઓના ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩ના આંકડા વધારે છે. તાજેતરની ગૌરક્ષાના મુદ્દે હિંસાની ઘટનાઓમાં આરોપીઓની ધરપકડો કરવામાં ન આવી હોય એવો એક પણ બનાવ છે? મારી પાસે આશંકાઓ કે દહેશતોનો કોઈ જવાબ નથી. દેશમાં ક્યાંય દહેશત કે આશંકાનું વાતાવરણ ફેલાયું નથી.’

મોદી કરતાં મનમોહનના વિદેશપ્રવાસો વધુ

BJPના પ્રમુખ અમિત શાહે વિદેશપ્રવાસોના મુદ્દે ટીકાનું કેન્દ્ર બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના ત્રણ વર્ષના શાસનકાળ દરમ્યાન કરેલા વિદેશપ્રવાસોની સંખ્યા તેમના પુરોગામી ડૉ. મનમોહન સિંહના વિદેશપ્રવાસોની સરખામણીમાં સાવ ઓછા છે.

ગૌરક્ષાના નામે યુવકની જાહેરમાં હત્યા  કરવાના કેસમાં BJPના લીડરની ધરપકડ

ગયા અઠવાડિયે કારમાં ગૌમાંસ લઈ જવાની શંકા પરથી એ કાર ડ્રાઇવ કરતા અલીમુદ્દીન ઉર્ફે અસગર અન્સારીની તોફાની ટોળાએ મારઝૂડ કરીને હત્યા કરવાના કેસમાં ઝારખંડના રામગઢના BJPના સ્થાનિક નેતા ૪૫ વર્ષના નિત્યાનંદ મહતો તથા અન્ય બે જણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે BJPના રામગઢના મીડિયા ઇન્ચાર્જ  નિત્યાનંદ મહતોએ ટોળાને ઉશ્કેર્યું હોવાનું એ ઘટનાના વિડિયોમાં જોવા મળ્યું હતું.

ગયા અઠવાડિયે રામગઢના બાઝાર ટંડ વિસ્તારમાં તોફાની ટોળાએ અલીમુદ્દીનની હત્યા કરવા ઉપરાંત તેની મારુતિ વૅનને બાળી નાખી હતી. પોલીસે એ ઘટનાને પૂર્વયોજિત હત્યા ગણાવતાં હુમલાખોરો હઝારીબાગ જિલ્લાના રહેવાસી અને માંસના વેપારી અલીમુદ્દીનની રાહ જોઈને ઊભા હોવાનું જણાવ્યું હતું. નિત્યાનંદ મહતોએ અલીમુદ્દીનને મારુતિ વૅનની બહાર ખેંચી કાઢ્યો હતો. ત્યાર બાદ ટોળાએ તેની નર્દિયતાથી મારઝૂડ કરી ત્યારે નિત્યાનંદ સામે ઊભો રહીને તમાશો જોતો હતો. શુક્રવારે એ કેસમાં પોલીસે પહેલી ધરપકડ કરી હતી. અન્ય આઠ આરોપીઓની શોધ ચાલે છે.