મહારાષ્ટ્રમાં 15 સપ્ટેમ્બરથી કોલેજો ફરી શરૂ થશે, ઉદય સામંતે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

06 August, 2021 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીમાં કોલેજો શરૂ કરવાની સરકાર વિચારણા કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. ઘણી જગ્યાએ શાળાઓ શરૂ થઈ ગઈ છે. હવે, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઉદય સામંતે કોલેજ શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. સામંતે કહ્યું છે કે 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીમાં કોલેજો શરૂ કરવાની સરકાર વિચારણા કરી રહી છે.

સામંતે માહિતી આપતા કહ્યું હતું કે “ગઈકાલે  વાઇસ ચાન્સેલરોની એક બેઠક મળી હતી. નવું શૈક્ષણિક વર્ષ પણ ઓનલાઇન જ શરૂ થયું છે. તેથી હવે વાસ્તવમાં કૉલેજ શરૂ કરવાનો વિચાર છે. દરેક વિભાગના વાઇસ ચાન્સેલરને જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે. સંપૂર્ણ સ્થિતિની સમીક્ષાનો અહેવાલ આગામી 15 દિવસમાં પ્રાપ્ત થશે. તેથી, અમે 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કોલેજો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”

ઉદય સામંતે ઉમેર્યું હતું કે કોલેજો ફરી ક્યારે શરૂ થશે તે અંગેનો નિર્ણય આગામી આઠ દિવસમાં લેવામાં આવશે. જોકે, દરેક જિલ્લામાં પરિસ્થિતિ અલગ છે તેથી દરેક જિલ્લામાં કોલેજ જુદા-જુદા સમયે શરૂ થશે.

maharashtra news