કાતિલ ઠંડીને કારણે ઉત્તર ભારતમાં વધુ સાતનાં મોત

26 December, 2012 05:51 AM IST  | 

કાતિલ ઠંડીને કારણે ઉત્તર ભારતમાં વધુ સાતનાં મોત



ઉત્તર ભારતમાં ફરી વળેલી કૉલ્ડ વેવને કારણે વધુ સાત લોકોનાં મોત થયાં હતાં. જીવ ગુમાવનાર તમામ ઉત્તર પ્રદેશના હતા. આ તરફ કાલે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ૧૦૦થી વધુ ફ્લાઇટ અને ૫૦ ટ્રેનોને અસર થઈ હતી. દિલ્હીમાં કાલે લઘુતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં કાલે લઘુતમ તાપમાન પાંચથી ૧૨ ડિગ્રી નીચું નોંધાયું હતું. માત્ર દિલ્હી જ નહીં પંજાબ, હરિયાણા પર પણ કાલે ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. ગાઢ ધુમ્મસને કારણે અમિþતસર, દિલ્હી જેવાં શહેરોમાં ટ્રાફિકને પણ અસર પહોંચી હતી વાહનચાલકોને દિવસે પણ હેડલાઇટ્સ ચાલુ રાખવી પડી.

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાલે ધુમ્મસને કારણે ૧૦૦થી વધારે ફ્લાઇટની અવરજવરને અસર પહોંચી હતી. જેમાં સાત ફ્લાઇટનો રૂટ બદલવામાં આવ્યો હતો જ્યારે ૧૦ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી. ઍરપોર્ટ પર સવારે ૧૧ વાગ્યા સુધી ૫૦ મીટરથી દૂર કશું જ જોઈ શકાતું ન હતું. દિલ્હીનાં રેલવે-સ્ટેશનો પર ધુમ્મસને કારણે ૫૦ જેટલી ટ્રેનોને અસર પહોંચી હતી જ્યારે ૧૦૦ ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી. સમયપત્રકમાં ફેરફાર થતાં પૅસેન્જરોને ભારે હેરાનગતિ થઈ હતી.

ગુજરાતમાં ઠંડી વધી

જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવષાર્ની સીધી અસરરૂપે ગુજરાતમાં કૉલ્ડવેવની શરૂઆત થઈ છે અને ગઈ કાલે એક જ દિવસમાં ગુજરાતનાં મહત્તમ શહેરોનું લઘુતમ તાપમાન એકથી અઢી ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. એકસાથે આટલી મોટી માત્રામાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ગુજરાતભરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી સોપો પડી ગયો હતો. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘આ હજી શરૂઆત છે. આવતા અડતાલીસથી બોંતેર કલાકમાં ગુજરાતમાં હજી પણ એકથી અઢી ડિગ્રી જેટલું મિનિમમ ટેમ્પરેચર ઘટી શકે એવી શક્યતા છે.’

ગઈ કાલે ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં રહી હતી. ગુજરાતમાં સૌથી ઠંડું શહેર કચ્છ જિલ્લાનું નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં અન્ય શહેરોની વાત કરીએ તો જામનગરમાં ૯.૬, જૂનાગઢમાં ૯.૯, ભાવનગરમાં ૧૨.૩, ભુજમાં ૧૨.૭, કચ્છમાં ૧૩.૧, અમરેલીમાં ૧૩.૨, પોરબંદરમાં ૧૩.૪ અને રાજકોટમાં ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઠંડું શહેર ડીસા રહ્યું હતું. ડીસાનું લઘુતમ તાપમાન ૧૦.૧ ડિગ્રી હતું, જ્યારે ગાંધીનગરમાં ૧૧.૨, અમદાવાદમાં ૧૨.૨, વડોદરા અને વલ્લભવિદ્યાનગરમાં ૧૨.૪, વલસાડમાં ૧૩.૪ અને સુરતમાં ૧૬.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.