દિલ્હીમાં દાયકાનો રેકૉર્ડ ૨.૬ ડિગ્રી

29 December, 2014 06:14 AM IST  | 

દિલ્હીમાં દાયકાનો રેકૉર્ડ ૨.૬ ડિગ્રી




જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી અને છેક રાજસ્થાન સુધીનાં રાજ્યોમાં શીતલહેરનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. ગાત્રો થીજવતી ઠંડીના કારણે અત્યાર સુધીમાં સો જેટલા લોકોનાં મોત થયાંનું નોંધાયું છે. ગઈ કાલે દેશની રાજધાની દિલ્હીમાં આ સીઝનનું જ નહીં, છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું તાપમાન ૨.૬ ડિગ્રીએ પહોંચતાં કફ્યુર્ જેવી હાલત સર્જાઈ હતી અને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ હતી. સમગ્ર પૂર્વોત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે રોડ, રેલવે અને ઍર ટ્રાન્સપોર્ટ-સર્વિસીસ પર વિપરિત અસર પડી છે.

ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી સાવ નામની જ રહેતાં ગઈ કાલે બપોર સુધીમાં પંચાવન ફ્લાઇટ્સ-સર્વિસ લેટ થઈ હતી, ૭૦ ટ્રેનો પણ લેટ દોડતી હતી અને ૧૨ ટ્રેનો રદ કરવામાં આવી હતી. દિલ્હીમાં બાવીસ ડિસેમ્બરે સીઝનનું મિનિમમ તાપમાન ૪.૨ ડિગ્રી હતું તે ઘટીને ગઈ કાલે ૨.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. દિલ્હીમાં મેક્સિમમ તાપમાન પણ ૧૯.૨ ડિગ્રી જ રહેતાં દિવસભર ઠંડીનો માહોલ રહ્યો હતો. વેધશાળાના જણાવ્યા પ્રમાણે તરતમાં ચોક્કસ આંકડા તો અવેલેબલ નથી, પરંતુ આટલી ઠંડી કદાચ દાયકામાં પહેલી વાર અનુભવાઈ છે. ૧૯૪૫ની ૨૬ ડિસેમ્બરે દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી મિનિમમ તાપમાન ૧.૧ ડિગ્રી નોંધાયેલું છે.

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જળાશયો થીજી ગયાં છે અને મોટા ભાગના એરિયાઓમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં રહે છે. શ્રીનગરમાં ગઈ કાલે માઇનસ ૪.૭ ડિગ્રી, જ્યારે લેહમાં સીઝનનું સૌથી નીચું તાપમાન માઇનસ ૧૭.૦ ડિગ્રી રેકૉર્ડ થયું હતું; જ્યારે માઇનસ ૧૫.૨ ડિગ્રી સાથે કારગિલ કાશ્મીરમાં સેકન્ડ કૉલ્ડેસ્ટ રહ્યું હતું.

પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનો સીકંજો કસાતો જાય છે. ચંડિગઢમાં ગઈ કાલે સીઝનનું સૌથી ઓછું મિનિમમ તાપમાન ૨.૩ ડિગ્રી નોંધાયું હતું. હિસ્સારમાં ૩.૧ ડિગ્રી જ્યારે અંબાલામાં ૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તમામ રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું આવરણ તો છે જ.

છેક રાજસ્થાન સુધી શીતલહેરની અસર પહોંચી છે. ગઈ કાલે ચુરુમાં મિનિમમ તાપમાન ૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ હતો.