આચારસંહિતા લાગુ, કુલ ૨,૨૬,૧૭,૧૬૨ મતદારો મતદાન કરશે

02 November, 2019 03:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

આચારસંહિતા લાગુ, કુલ ૨,૨૬,૧૭,૧૬૨ મતદારો મતદાન કરશે

નવી દિલ્હી : (જી.એન.એસ.) કેન્દ્રીય ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ઝારખંડમાં કુલ ૮૧ વિધાનસભા બેઠકો ઉપર ૩૦ નવેમ્બરથી પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે ૨૩ ડિસેમ્બરે પરિણામનું એલાન કરવામાં આવશે. ચૂંટણી પંચે માહિતી આપી કે પહેલા તબક્કામાં ૩૦ નવેમ્બરે ૧૩ બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કામાં ૭ ડિસેમ્બરે ૨૦ બેઠકો પર. ત્રીજા તબક્કામાં ૧૨ ડિસેમ્બરે ૧૭ બેઠકો પર, ચોથા તબક્કામાં ૧૬ ડિસેમ્બરે ૧૫ બેઠકો પર અને પાંચમા તબક્કામાં ૨૦ ડિસેમ્બરે ૧૬ બેઠકો પર મતદાન થશે. ૨૩ ડિસેમ્બરે પરિણામ આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ ૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ખતમ થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ બીજેપી અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનની ગઠબંધનવાળી સરકાર છે. રઘુવર દાસ મુખ્ય પ્રધાન છે. બહુમતી માટે ૪૧નો આંકડો જરૂરી છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ૩૭ અને એજેએસયુને ૫ સીટ મળી હતી. ત્યાર પછી ઝારખંડ વિકાસ મોર્ચાના ૬ ધારાસભ્ય બીજેપીમાં સામેલ થયા હતા. અત્યારે બીજેપી પાસે ૪૩ ધારાસભ્ય છે.
ચીફ ઈલેક્શન કમિશનર સુનીલ અરોરાના જણાવ્યા પ્રમાણે રાજ્યના ૯૦ જિલ્લામાંથી ૧૯ નક્સલી પ્રભાવિત છે. તેમાં ૧૩ જિલ્લા ખૂબ ખરાબ રીતે ડાબેરીના કટ્ટરવાદથી ઘેરાયેલા છે. ૮૧ વિધાનસભા સીટમાંથી ૬૭ નક્સલ પ્રભાવિત છે. લોકસભા ચૂંટણી પછી અમુક નિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા લોકોને બૅલટ પેપરની સુવિધા આપવામાં આવશે. અમુક સીનિયર સિટિઝન્સને પણ બૅલટ પેપરની સુવિધા આપાવમાં આવશે. જ્યાં સુધી દિલ્હીની ચૂંટણી આવશે ત્યાં સુધી જરૂરિયાતની સેવા આપતા કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બૅલટની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ૨,૨૬,૧૭,૬૧૨ મતદારો રાજ્યના ૮૧ ધારાસભ્યોને ચૂંટશે. રાજ્યમાં કુલ ૧,૧૮,૧૬,૦૯૮ પુરુષ મતદાર છે. અહીં મહિલા મતદારોની સંખ્યા ૧,૦૮,૦૧,૨૭૪ છે. ૨૪૦ મતદાતાઓ થર્ડ જૅન્ડર છે. જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલી મતદાતાઓની યાદી પ્રમાણે કુલ વોટર ૨,૧૯,૮૧,૧૭૨ હતા. જ્યારે આઠ મહિનામાં આ સંખ્યા ૬ લાખ ૩૬ હજાર વધી છે.

jharkhand national news