સરકાર આક્રમક બની તો બીજેપી પોતાની જીદ છોડવાના મૂડમાં નથી

25 August, 2012 09:51 AM IST  | 

સરકાર આક્રમક બની તો બીજેપી પોતાની જીદ છોડવાના મૂડમાં નથી

 

 

 

કોલસાકૌભાંડ મુદ્દે વડા પ્રધાનના રાજીનામાની એનડીએની માગણીને લઈને ગઈ કાલે સતત ચોથા દિવસે સંસદમાં કોઈ કામગીરી નહોતી થઈ શકી. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ આક્રમક વલણ અપનાવવાનો આદેશ આપ્યા બાદ ગઈ કાલે ત્રણ કેન્દ્રીય પ્રધાનોએ પત્રકાર-પરિષદ યોજીને બીજેપીના આક્ષેપોના જવાબ આપ્યા હતા. નાણાપ્રધાન ચિદમ્બરમ, કાયદાપ્રધાન સલમાન ખુરશીદ તથા કોલસાપ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે બીજેપી પર કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના અહેવાલને ખોટી રીતે ચગાવવાનો બીજેપી પર આક્ષેપ કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે જ્યારે કોલસાની ખાણોમાં હજી સુધી ખોદકામ શરૂ થયું જ નથી તો પછી સરકારી તિજોરીને નુકસાન કેવી રીતે થઈ શકે?

 

સરકાર બની આક્રમક

 

ચિદમ્બરમે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સંસદમાં કોઈ કામગીરી થાય એવું વિપક્ષ ઇચ્છતો જ નથી. તેમણે વિરોધપક્ષોને સોમવારે સંસદ ચાલવા દેવાની અપીલ કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન મનમોહન સિંહ સોમવારે સ્ટેટમેન્ટ આપશે એ પછી આ મુદ્દે વિપક્ષ ઇચ્છે ત્યાં સુધી ચર્ચા થશે. ચિદમ્બરમે કહ્યું હતું કે નુકસાન ત્યારે થાય જ્યારે ખાણોમાંથી કોલસો કાઢવામાં આવ્યો હોય. કૅગના રર્પિોટમાં જે ૫૭ ખાણોની વાત કરવામાં આવી છે એમાંથી ૫૬ ખાણોમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ શરૂ નથી થયું.

 

ઝૂકવાના મૂડમાં નથી બીજેપી

 

સરકારના આક્રમક વલણ છતાં બીજેપીએ નમતું જોખવાનો ઇનકાર કરી દીધો હતો. પાર્ટીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના રાજીનામાની માગણી ચાલુ રાખવામાં આવશે. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે ચોમાસુ સત્રના અંત સુધી રાજીનામાની માગણી ચાલુ રાખવામાં આવશે. બીજેપીનાઅન્ય એક નેતાએ કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન સામે જ આક્ષેપ થઈ રહ્યો હોય ત્યારે તેઓ કેવી રીતે ઑલ પાર્ટી મીટિંગ બોલાવી શકે?  

 

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી