સરકાર સામેની લડાઈમાં એકલી પડી ગઈ બીજેપી

23 August, 2012 05:43 AM IST  | 

સરકાર સામેની લડાઈમાં એકલી પડી ગઈ બીજેપી

૧.૮૫ લાખ કરોડના કોલસાકૌભાંડના મુદ્દે ગઈ કાલે સતત બીજા દિવસે પણ સંસદ ઠપ રહી હતી. જોકે આ મુદ્દે સરકાર સામેની લડાઈમાં ગઈ કાલે બીજેપી એકલી પડી ગઈ હતી. મુખ્ય વિપક્ષ બીજેપીએ મનમોહન સિંહના રાજીનામા પછી જ સંસદ ચાલવા દેવાની માગણી પકડી રાખી હતી. જોકે જેડીયુ સહિતના અન્ય વિરોધ પક્ષોએ ચર્ચાની તૈયારી દર્શાવતાં વિરોધ પક્ષની એકતા તૂટી હતી. ગઈ કાલે બીજેપીએ કોલસાકૌભાંડ મુદ્દે સરકારને ઘેરવા મમતા બૅનરજીના પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસની મદદ પણ માગી હતી. જોકે મમતાએ આ મુદ્દે બીજેપીને સાથ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

બીજેપીને છોડવી નથી હઠ

બીજેપીએ છેલ્લા બે દિવસથી વડા પ્રધાનપદેથી મનમોહન સિંહના રાજીનામાની હઠ પકડી રાખી છે. પાર્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી મનમોહન સિંહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી સંસદ ચાલવા દેવામાં આવશે નહીં. પાર્ટીનું કહેવું છે કે માત્ર કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના રિપોર્ટનો જ મુદ્દો નથી. સરકાર સામે આ પહેલાં એકથી વધુ વખત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે એથી હવે તેમને વડા પ્રધાનના રાજીનામાથી ઓછું કંઈ ખપતું નથી. જોકે કૉન્ગ્રેસે કહ્યું હતું કે વડા પ્રધાનના રાજીનામાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. તેમની ઇમેજ એકદમ ક્લીન છે. સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે બીજેપી પર ચર્ચાથી દૂર ભાગવાનો આક્ષેપ કર્યો હતો.  

વિપક્ષમાં ભાગલા પડ્યા

સંસદને ચાલવા નહીં દેવાના બીજેપીના વ્યૂહને ગઈ કાલે મોટો ફટકો પડ્યો હતો. બીજેપીના સૌથી મોટા સાથી પક્ષ જેડીયુએ ગઈ કાલે કૅગના રિપોર્ટ મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની તરફેણ કરી હતી. જેડીયુના નેતા તથા એનડીએના કન્વીનર શરદ યાદવે સંસદનાં બન્ને ગૃહમાં ચર્ચાની તરફેણ કરી હતી. એટલું જ નહીં, તેમણે ડાબેરી પાર્ટીઓ, ટીડીપી, સમાજવાદી પાર્ટી, બીએસપી સહિતના પક્ષો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. આ તમામ વિરોધ પક્ષોએ પણ ચર્ચાની તરફેણ કરી હતી, જેના કારણે બીજેપીના અભિયાનને ફટકો પડ્યો હતો.

૧.૮૫ લાખ કરોડનો આંકડો ખોટો : વડા પ્રધાન

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે પોતાની સામેના વિપક્ષના આક્ષેપો નકારી કાઢ્યા હતા તથા કૅગના રિપોર્ટમાં કોલસાકૌભાંડને કારણે સરકારને થયેલા ૧.૮૫ લાખ કરોડના નુકસાનના આંકડાને પણ ખોટો અને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો હતો. વિપક્ષના શોરબકોરના કારણે મનમોહન સિંહ પોતાનો જવાબ રજૂ કરી શક્યા નહોતા. જોકે છ પૉઇન્ટના લેખિત જવાબમાં વડા પ્રધાને દાવો કર્યો હતો કે ૨૦૦૫માં યુપીએ બહારની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોની સરકારોએ ખાણોની ફાળવણી હરાજી દ્વારા કરવાનો વિરોધ કર્યો હતો.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

ટીડીપી = તેલુગુ દેસમ પાર્ટી

બીએસપી = બહુજન સમાજ પાર્ટી