બ્લેક મની : ગુનેગાર નાનો હોય કે મોટો, અમે કોઈને નહીં છોડીએ : SIT

31 October, 2014 05:57 AM IST  | 

બ્લેક મની : ગુનેગાર નાનો હોય કે મોટો, અમે કોઈને નહીં છોડીએ : SIT



બ્લૅક મનીના કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી SITએ ગઈ કાલે જણાવ્યું હતું કે ગુનેગાર નાનો હોય કે મોટો, કોઈને છોડવામાં નહીં આવે. વિદેશી બૅન્કોમાં ખાતાં ધરાવતા લોકોનાં નામો ગુપ્ત જ રાખવામાં આવશે.

SITના ઉપાધ્યક્ષ ન્યાયમૂર્તિ અરિજિત પસાયતે જણાવ્યું હતું કે ‘બુધવારે સરકારે સુપ્રીમ કોર્ટને સુપરત કરેલાં ૬૨૭ ખાતેદારો ઉપરાંતના અકાઉન્ટ હોલ્ડર્સનાં નામો પણ અમે તપાસ માટે મેળવી રહ્યા છીએ. અમારે માટે બધા ગુનેગારો સમાન છે. જેમણે દેશને લૂંટ્યો છે તે બધાને ઝડપી લેવામાં આવશે અને શિક્ષા કરવામાં આવશે.’

તપાસની પ્રક્રિયા બાબતે માહિતી આપતાં ન્યાયમૂર્તિ શાહે કહ્યું હતું કે ‘વિદેશમાં સંઘરાયેલું કાળું નાણું પાછું ક્યારે મળશે એ કહેવું મારા માટે મુશ્કેલ છે, પણ તપાસ ઝડપભેર ચાલી રહી છે.’

સિટ એનો બીજો અહેવાલ ત્રીજી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટને સુપરત કરશે એવું પણ ન્યાયમૂર્તિ શાહે જણાવ્યું હતું.

૨૮૯ ખાતાંમાં છે ઝીરો બૅલૅન્સ

સરકારે જે ૬૨૭ વિદેશી બૅન્ક-અકાઉન્ટ્સની યાદી સુપ્રીમ કોર્ટને આપી છે એમાંનાં ૨૮૯ અકાઉન્ટ્સમાં એકેય પૈસો જમા નહીં હોવાનું જાણવા મળ્યું છે. કુલ પૈકીનાં ૬૧૫ ખાતાં વ્યક્તિગત શ્રેણીનાં અને બારથી તેર ખાતાં કૉર્પોરેટ્સ તેમ જ ટ્રસ્ટ્સનાં છે.