જેવાં કપડાં એવી જ્વેલરી

17 October, 2012 06:52 AM IST  | 

જેવાં કપડાં એવી જ્વેલરી



અર્પણા ચોટલિયા

નવરાત્રિમાં કપડાં જેટલું જ મહત્વ જ્વેલરીનું પણ છે. ચણિયા-ચોળી પહેર્યા હોય કે ન પહેર્યા હોય, પણ નવરાત્રિને અનુરૂપ જ્વેલરી પહેરીને એ તહેવારની ફીલ જરૂર મેળવી શકાય. ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી વષોર્થી ટ્રેન્ડમાં છે અને આજેય લોકો એને જ પ્રિફર કરે છે. આ સિવાય આ વર્ષે બીજું શું હિટ છે એ જાણીએ સાન્તાક્રુઝમાં ખાસ નવરાત્રિ માટે જ્વેલરી બનાવતાં કસ્તુરી ગડા પાસેથી.

લાઇટ વેઇટ જ્વેલરી


રમતી વખતે જેટલું ઓછું વજન શરીર પર હોય એટલી જ રમવામાં આસાની રહે છે અને આ જ કારણથી આ વર્ષે યુવતીઓ ઑક્સિડાઇઝ્ડની તેમ જ બીજી વજનમાં હલકી હોય એવી જ્વેલરી પસંદ કરી રહી છે. ઑક્સિડાઇઝ્ડમાં કાળા ન પડે એવા તેમ જ વજનમાં પણ હલકા હોય એવા સેટ્સ, એરિંગ, આમ્રપાલી જેવી જ્વેલરી મળી રહે છે. ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી વિશે જણાવતાં કસ્તુરી કહે છે, ‘આવી જ્વેલરી એક વર્ષ પહેરી શકાય છે, પરંતુ બીજા વર્ષે કાળી પડી જાય છે અને એ કામ નહીં આવે. એટલે હું આ જ્વેલરી બનાવું તો એમાં બીજાં મટીરિયલ મિક્સ-મૅચ કરું છું જેથી લુક ટ્રેન્ડી લાગે’.

મલ્ટિ-કલર્ડ બલૈયાં

અત્યાર સુધી આ બલૈયાંમાં સફેદ રંગની વરાઇટી વધારે જોવા મળતી હતી. વધારેમાં પ્લેન સફેદ સાથે સિલ્વર કે ગોલ્ડન લાઇનવાળાં બલૈયાં છેલ્લા વર્ષ સુધી ટ્રેન્ડમાં હતાં. આ વિશે કસ્તુરી કહે છે, ‘આ વર્ષે આખા હાથમાં પહેરાતાં આ બલૈયાંમાં મલ્ટિ-કલર ડિમાન્ડમાં છે. આ વર્ષે મોટા ભાગની યુવતીઓ મલ્ટિ-કલર્ડ બલૈયાં પહેરેલી જોવા મળી રહી છે. આમાં પીળો, લીલો, લાલ અને કેસરી રંગો મુખ્યત્વે જોવા મળી રહ્યા છે; જ્યારે વાઇટનો વપરાશ ખૂબ ઓછો થયો છે.’

બલૈયાંને બદલે સિલ્વર કે ગોલ્ડન મેટલના કફ પણ યુવતીઓ પહેરી રહી છે. આ કફ એ ગોળ વાળેલા પતરા જેવા હોય છે જેને પહેરતાં આખો હાથ ભરેલો લાગે છે.

કોડી અને લટકણ

એક જ જ્વેલરી બધા પર મૅચ કરવા કરતાં કસ્તુરી ગડા ચણિયા-ચોળી પ્રમાણે જ્વેલરી બનાવી આપે છે. તેઓ પોતાના કસ્ટમર્સને ચણિયા-ચોળી સાથે એવા જ મૅચિંગ કાપડ પર બનાવેલી જ્વેલરી આપે છે. આ ઍક્સેસરીઝ પર પણ ચણિયા-ચોળીમાં કરવામાં આવ્યું હોય એવું પરંપરાગત દેશી ભરત, કોડી, ફૂમતાં તેમ જ આભલાં લગાવી આપવામાં આવે છે. પોતાની આવી જ્વેલરી વિશે કસ્તુરી જણાવે છે, ‘કાપડની પટ્ટીના બેઝ પર કોડી, આભલાં વગેરે લગાવી હું મૅચિંગ જ્વેલરી બનાવું છું જે વજનમાં પણ હલકી હોય છે. આ જ્વેલરીમાં હું મિક્સ ઍન્ડ મૅચ કરીને બીજું મટીરિયલ પણ વાપરું છું જે કલરફુલ લાગે છે. આ જ્વેલરીમાં નાના-મોટા નેકલેસ, બાજુબંધ, એરિંગ, પગની ઝાંઝર પટ્ટીઓ, આમ્રપાલી વગેરે બધું જ બની શકે છે.’

આ જ્વેલરી સિવાય કમર પર બાંધવા માટે તોરણની પણ ખાસ ડિમાન્ડ છે. કસ્તુરી આવા કમરબંધ માટે તોરણના આકારના પાનિયા સાથે ફૂમતાં લગાવે છે જેની લંબાઈ ગોઠણ સુધીની હોય છે. આવી એક્સ્ટ્રા ડેકોરેટિવ ઍક્સેસરીઝને લીધે ચણિયા-ચોળી જો પ્લેન હોય તોયે ભરેલાં લાગે છે.

પુરુષો માટે ઍક્સેસરીઝ


નવરાત્રિમાં પુરુષો જો ટ્રેડિશનલ કેડિયું અને ધોતી પહેરવાનાં હોય તો જ્વેલરી જરૂરી છે. બાજુબંધ, ગળામાં હાંસડી સ્ટાઇલનો નેકલેસ અને પગમાં જાડું ઑક્સિઇઝ્ડ કડું પહેરો. આ સિવાય કાનમાં સ્ટડ અથવા મોટો વાળો સારો લાગશે. ટિપિકલ ગાંવઠી સ્ટાઇલનાં શંકુ આકારનાં નાનાં એરિંગ પણ નવરાત્રિ પૂરતાં પહેરી શકાય.