ગ્રેટા થનબર્ગની ટૂલકિટ મામલે દિલ્હી પોલીસે દિશા રવિની ધરપકડ કરી

15 February, 2021 02:38 PM IST  |  New Delhi | PTI

ગ્રેટા થનબર્ગની ટૂલકિટ મામલે દિલ્હી પોલીસે દિશા રવિની ધરપકડ કરી

દિશા રવિ

નવા કૃષિ કાયદા સામેના ખેડૂતોના આંદોલન સંબંધીત ‘ટૂલકિટ’ કથિત રીતે સોશ્યલ મીડિયા પર શૅર કરવા બદલ દિલ્હી પોલીસની સાઇબર સેલ ટીમે બૅન્ગલોરમાંથી શનિવારે ૨૧ વર્ષની ક્લાઇમૅટ ઍક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દિશા રવિને પહેલાં પૂછપરછ માટે તેના ઘરેથી લઈ જવામાં આવી હતી. જોકે પાછળથી ‘ટૂલકિટ’ની રચના અને એના પ્રસારણમાં કથિત રીતે સંડોવણી બદલ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિશા રવિએ પોતાના બચાવમાં કહ્યું હતું કે ‘હું તો માત્ર ખેડૂતોના આંદોલનનું સમર્થન કરી રહી હતી. ખેડૂતો આપણું ભવિષ્ય છે અને આપણે જીવવા માટે ખાવું જરૂરી છે.’

બૅન્ગલોરની ખાનગી કૉલેજમાંથી બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં સ્નાતક થનાર દિશા રવિ ‘ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર ઇન્ડિયા’ નામના ગ્રુપની સ્થાપક સભ્ય છે. ‘ટૂલકિટ’ દસ્તાવેજ સંબંધી ગુનાહિત કાવતરું ઘડવાના કેસમાં ચાલી રહેલી તપાસના અંતર્ગત દિશા રવિની બૅન્ગલોરથી ધરપકડ કરવામાં આવી હતી. દિશા રવિ ‘ટૂલકિટ’ ગૂગલ ડૉક્યુમેન્ટના એડિટર્સમાંની એક હતી તેમ જ આ દસ્તાવેજની રચના અને પ્રસારણની મુખ્ય કાવતરાખોર હતી, એમ ઍડિશનલ પબ્લિક રિલેશન્સ ઑફિસર (દિલ્હી પોલીસ) અનિલ મિત્તલે એક નિવેદનમાં જણાવ્યું હતું. ગઈ કાલે તેને દિલ્હી કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવી હતી, જ્યાં તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ કરવા માટે તેનું લૅપટૉપ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે તે અન્ય લોકોના સંપર્કમાં છે કે નહીં એની પોલીસતપાસ ચાલી રહી છે.

delhi police national news bengaluru