શ્રીનગરમાં જામા મસ્જિદનો વિસ્તાર સમરાંગણ બન્યો, નમાજ બાદ તોફાન ફાટ્યાં, બે ઘાયલ

27 May, 2017 07:45 AM IST  | 

શ્રીનગરમાં જામા મસ્જિદનો વિસ્તાર સમરાંગણ બન્યો, નમાજ બાદ તોફાન ફાટ્યાં, બે ઘાયલ

આ અથડામણ શરૂ થતાં જામા મસ્જિદની આસપાસ આવેલી અન્ય મસ્જિદોની બહાર પણ અથડામણો ફાટી નીકળી હતી. ઘાયલ થયેલા બે જણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર છે.

સેનાના વડાએ મેજર લીતુલ ગોગોઈને આપેલા અવૉર્ડનો વિરોધ કરવા ઉદારવાદી હુર્રિયત નેતા મીરવૈસ ઉમર ફારુકે મસ્જિદોની અંદર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ હાથમાં પ્લૅકાર્ડ લઈ સરકાર અને સેના વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા હતા અને મેજર ગોગોઈ સામે પગલાં લેવાની માગણી કરી રહ્યા હતા. અલગાવવાદીઓએ શુક્રવારની નમાજ પછી મેજરને સન્માન આપવા વિશે શાંતિપૂર્ણ  વિરોધ કરવાનો કૉલ આપ્યો હતો.

કાશ્મીરમાં તાજેતરની ચૂંટણી દરમ્યાન પથ્થરમારાથી બચવા લીતુલ ગોગોઈએ જીપની આગળ એક પથ્થરબાજને બાંધ્યો હતો.

હરિયાણામાં મંદિરમાં રહેતા પાકિસ્તાની નાગરિકની ધરપકડ

હરિયાણાના ઝજ્જરમાં પોતાની ઓળખ બદલીને રહેતા એક પાકિસ્તાની યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પાકિસ્તાની યુવક ઝજ્જરના બહાદુરગઢ વિસ્તારના એક મંદિરમાં હિન્દુ બનીને રહેતો હતો. તેણે પોતાનું આધાર કાર્ડ, પૅન કાર્ડ અને વોટર ID કાર્ડ પણ બનાવ્યાં હતાં. પોલીસ ઉપરાંત ગુMïતચર એજન્સીઓ એ પાકિસ્તાનીની પૂછપરછ કરી રહી છે.

બહાદુરગઢના મંદિરમાં ૨૦૧૩થી રસરાજ દાસના નામે રહેતો એ યુવક પાકિસ્તાનના લરકાનાની હિન્દુ કૉલોનીનો રહેવાસી છે. તેની પાસેથી ભારતીય ગણરાજ્યનો વીઝા સ્ટૅમ્પ લગાવેલો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. માત્ર ૩૩ દિવસ માટે આપવામાં આવેલા એ વીઝામાં યુવકનું નામ રાજા અને સરનામું હિન્દુ કૉલોની, લરકાના લખવામાં આવ્યું છે.

પાસપોર્ટમાં તેની જન્મતારીખ ૧૯૭૮ની પહેલી જાન્યુઆરી હોવાનું જણાવવામાં આવ્યું છે, પણ ભારતમાં તેણે કઢાવેલાં આધાર કાર્ડ અને પૅન કાર્ડમાં તેની જન્મતારીખ ૧૯૮૭ની ૧૩ માર્ચ હોવાનું જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાની યુવક પાસેથી મળી આવેલા વોટર IDમાં એ નવી દિલ્હીના છાવલા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવવામાં આવ્યું છે.