આભ ફાટે ત્યારે આવું થાય!

21 April, 2025 09:14 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

કાશ્મીરના રામબનમાં ક્લાઉટબર્સ્ટ, ચોવીસ કલાક ત્રાટકેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આઠથી વધુ લોકોનાં મોત

જુઓ તારાજી

જમ્મુ-કાશ્મીરમાં રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને પગલે ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તથા ગઈ કાલે સતત ૨૪ કલાકથી વધુ સમય ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આઠથી વધુ લોકોનાં મોત થયાં હતાં. રામબન અને બનિહાલ વચ્ચે ડિગડોલ અનોખી ફૉલ નજીક ભૂસ્ખલનને લઈને તબાહીનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાઇવે પર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો થઈ જતાં અવરજવર બંધ કરી દેવાઈ છે.  સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું અને મોટા પાયે નુકસાન થયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વાહનો માટીમાં દબાઈ ગયાં છે, જ્યારે સેંકડો વાહનો રસ્તા પર ફસાયાં હોવાથી જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી. ધર્મકુંડ ગામમાં ૪૦-૫૦ ઘરો ધરાશાયી થયાં હતાં.

રામબન જિલ્લામાં ક્લાઉડબર્સ્ટને કારણે થયેલા ભૂસ્ખલન અને આવેલા પૂરને પગલે અનેક બાંધકામોને નુકસાન થયું હતું, ગાડીઓ દબાઈ ગઈ હતી અને લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા.

લોકોને હાલ રોડ પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનું હવામાન હજી પણ ખરાબ થઈ શકે છે. લોકોને નદી-નાળાં અને અન્ય જળાશયોના કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાની સાથે કરા પડવાની શક્યતા છે.

રામબનમાં ફસાયા ગુજરાતના પચાસથી વધારે પ્રવાસીઓ, તમામ સુરક્ષિત

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડ્‍યા બાદ ભૂસ્ખલનથી તબાહી મચી છે. કેટલાંક બિલ્ડિંગ્સ અને વાહનોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ રસ્તા બ્લૉક થઈ ગયા છે ત્યારે રામબનમાં ભૂસ્ખલનને કારણે ગુજરાતી પ્રવાસીઓ પણ અટવાયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગાંધીનગરના ૩૦, બનાસકાંઠાના ૨૦ લોકો મળીને ૫૦ લોકો સામેલ છે. જોકે બનાસકાંઠાના કલેક્ટરે રામબનમાં તંત્રનો સંપર્ક કર્યો હતો. રામબન તંત્ર દ્વારા ગુજરાતી પ્રવાસીઓને મોડી રાત સુધીમાં સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપવામાં આવી હતી. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો બનાસકાંઠા પ્રશાસને દાવો કર્યો હતો. 

national news india jammu and kashmir