25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ: દિલ્હી, મુંબઇથી મિનિમમ ભાડું 3500રૂ.

21 May, 2020 05:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ: દિલ્હી, મુંબઇથી મિનિમમ ભાડું 3500રૂ.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરી (તસવીર સૌજન્ય: એનએનઆઈ)

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. આ વિશે માહિતિ આપતા તેમણે કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ ભાડું 10,000 રૂપિયા રહેશે. પ્રવાસીઓએ સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા જણાવવાનું રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણ નથી.

ફ્લાઇટના રૂટ વિશે હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. જે નીચે મુજબ છે:

1. 40 મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ

2. 40થી 60 મિનિટ

3. 60થી 90 મિનિટ

4. 90થી 120 મિનિટ

5. 120થી 150 મિનિટ

6. 150થી 180 મિનિટ

7. 180થી 210 મિનિટ

દરેક રૂટ આ ટાઇમલાઇનમાં આવે છે.

પુરી સાથે હાજર એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહે કહ્યું હતું કે, 40% સીટ્સ પ્રાઇસ બેન્ડના મધ્યભાગના નીચલા ભાવે વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે 3,500 રૂપિયાથી 10,000 રૂપિયાની પ્રાઈઝનો મધ્યભાગ 6,700 રૂપિયા થાય છે. એટલે આ પ્રાઈસ બેન્ડમાં 40% સીટો 6,700 રૂપિયાથી ઓછી કિંમતે બુક કરવી પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતિ આપતા હરદીપસિંઘ પુરીએ કહ્યું હતું કે, 'વંદે ભારત મિશન' અંતર્ગત વિદેશમાં રહેતા આપણા 20,000થી વધુ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાંથી નાગરિકોને પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી પડી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયત્નો હજી ચાલુ જ છે અને આગામી બે અઠવાડિયામાં 'વંદે ભારત મિશન' અંતર્ગત આ પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે. 5મી મે બાદ હવાઈ માર્ગે 5 લાખ કિલોમિટર્સનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશથી પણ મેડિકલ સામગ્રી દેશમાં લાવવામાં આવી છે.

coronavirus covid19 lockdown national news