ભારતીય સરહદમાં ઘૂસેલા ચીની સૈનિક પકડી લેવાયો

10 January, 2021 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય સરહદમાં ઘૂસેલા ચીની સૈનિક પકડી લેવાયો

પ્રતીકાત્મક તસવીર

ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો સૈનિક લદ્દાખમાં એલએસી ક્રૉસ કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું ભારતીય લશ્કરે જણાવ્યું હતું.

આઠમી જાન્યુઆરીની વહેલી સવારે એલએસીમાં ભારતની તરફના લદ્દાખમાં આવેલા પાનગોન્ગ લેકની દક્ષિણ બાજુએથી ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતીય લશ્કરે આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે પીએલએનો સૈનિક એલએસીનું ઉલ્લંઘન કરીને ભારત તરફ આવતાં આ વિસ્તારમાં તહેનાત કરાયેલા ભારતીય સૈનિકોએ તેને કસ્ટડીમાં લીધો હતો.

પીએલએ સૈનિકની નિર્ધારિત પ્રક્રિયા અને પરિસ્થિતિને અનુલક્ષીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેણે કયા સંજોગોમાં એલએસીનું ઉલ્લંઘન કર્યું એ વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ભારતીય લશ્કરે જણાવ્યું હતું.

૨૦૨૦ની ૨૮ અને ૨૯ ઑગસ્ટે સાવચેતીના ભાગરૂપે તહેનાત કરવામાં આવેલી ભારતીય ટુકડીએ પાનગોન્ગ ત્સોના દક્ષિણ કાંઠાની ટેકરીઓ જે ચીની વિસ્તરણવાદીઓ દ્વારા કબજે કરાઈ હતી એના પર કબજો કર્યો હતો.

શુક્રવારે ધરપકડ કરાયેલા સૈનિકે આ જ વિસ્તારમાં એલએસીનું ઉલ્લંઘન કર્યું હતું.

national news