અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોને પોતાના દર્શાવવા બદલ ચીનને ભારતે આપી ચેતવણી

24 November, 2012 07:32 AM IST  | 

અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોને પોતાના દર્શાવવા બદલ ચીનને ભારતે આપી ચેતવણી



ભારત અને ચીન વચ્ચે નકશાનો વિવાદ વકરતો જાય છે. અગાઉ ચીને તેના ઈ-પાસર્પોટમાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાનું શરૂ કર્યું હતું. ચીનની આ ગુસ્તાખી સામે નારાજગી વ્યક્ત કરતાં ભારતે ગઈ કાલે સત્તાવાર રીતે ચીનને કહી દીધું હતું કે આ બાબત કદાપી સ્વીકારવામાં નહીં આવે. એટલું જ નહીં, ભારતે હવે ઈ-પાસર્પોટમાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશનો પોતાનો વિસ્તાર દર્શાવવાનું શરૂ કર્યું છે.

ભારતના વિદેશપ્રધાન સલમાન ખુરશીદે ગઈ કાલે ચીને ભારતીય વિસ્તારોને પોતાના પ્રદેશ ગણાવતા નકશા જાહેર કર્યા એ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ બાબત સ્વીકારવા અમે સહેજ પણ તૈયાર નથી.’

આ તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે બિનજરૂરી અરાજકતા સર્જાતી રોકવા માટે બન્ને દેશ મળીને આ પ્રશ્નો ઉકેલ લાવશે. ચીને એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દાનો શાંતિપૂર્વક ઉકેલ આવશે.

થોડા સમય પહેલાં જ ચીન સરકારે નવા ઈ-પાસર્પોટ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે, જેમાં વૉટરમાર્ક ધરાવતા નકશામાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશને ચીનની હદમાં દર્શાવવામાં આવ્યા છે. વળતા જવાબમાં ભારત સરકારે આ બન્ને વિસ્તારો ભારતીય હદમાં દર્શાવતા વીઝા ચીનના નાગરિકોને ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ ચીને જમ્મુ-કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવી આ રાજ્યના નાગરિકોને અલગ વીઝા ઇસ્યુ કરતાં વિવાદ પેદા થયો હતો.