રાજ્યપાલને મળ્યા કમલનાથ, કહ્યું, ‘ફ્લોર ટેસ્ટ માટે તૈયાર, પણ...

14 March, 2020 11:56 AM IST  |  Bhopal

રાજ્યપાલને મળ્યા કમલનાથ, કહ્યું, ‘ફ્લોર ટેસ્ટ માટે તૈયાર, પણ...

કમલનાથ

કૉન્ગ્રેસશાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય સંક્ટ અને ખેંચતાણ વચ્ચે મુખ્ય પ્રધાન કમલનાથે આજે શુક્રવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત યોજીને પોતે સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું જણાવીને બીજેપી ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કરી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે રાજ્યપાલ સાથે એક કલાક બેઠક યોજીને પત્ર પણ આપ્યો હતો. જેમાં કૉન્ગ્રેસના ૧૯ ધારાસભ્યોને ‘કેદ’ કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તે સાથે જ રાજ્યપાલને વિનંતી કરીને કહ્યું કે તેઓ (રાજ્યપાલ) ગૃહપ્રધાન અમિત શાહને બૅન્ગલોરમાં બંધક ધારાસભ્યોને મુક્ત કરવા માટે કહે.

મુલાકાત પછી કમલનાથે કહ્યું હતું કે હું ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું, પરંતુ ૨૨ ધારાસભ્યોને કેદ કરી લો અને પછી કહો કે ફ્લોર ટેસ્ટ કરાવો, તો એ કેવી રીતે શક્ય બને? ધારાસભ્યોના ભોપાલ પરત થવા વિશે મુખ્ય પ્રધાને કહ્યું મને નથી ખબર કોણ આવી રહ્યું છે અને કોણ જઈ રહ્યું છે. બીજી તરફ કોરોના વાઇરસનું કારણ આગળ ધરીને કમલનાથ સરકારે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને બજેટ સત્ર મુલતવી રાખવાની માગણી કરી છે.

સૂત્રોએ કહ્યું કે બીજેપીમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક પ્રધાન અને ધારાસભ્ય બપોર સુધી ભોપાલ પરત આવે તેવી શક્યતા છે. આ દરેક સિંધિયા ઉમેદવારી નોંધાવે ત્યારે હાજર રહે તેવી શક્યતા છે. તેઓ આજે વિધાનસભા અધ્યક્ષને પણ મળી શકે છે. કૉન્ગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બૅન્ગલોરથી પરત આવનાર ધારાસભ્યોને કોરોના વાઇરસના ઇન્ફેક્શનની આશંકા જણાવીને તેમના ટેસ્ટ કરાવવા કહ્યું છે. ૧૦ માર્ચે બીજેપીમાં સામેલ થયેલા સિંધિયાને પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. બીજેપી તરફથી સુમેરસિંહ સોલંકી અને કૉન્ગ્રેસના અન્ય ઉમેદવાર ફૂલસિંહ બરૈયા પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. રાજ્યસભા ચૂંટણી માટે ૨૬ માર્ચે મતદાન થવાનું છે.

આ પણ વાંચો : કોરોનાનો તોડ, HIVની સારવારમાં વપરાતી દવા છે?

જ્યોતિરાદિત્યએ ઉમેદવારી ફૉર્મ ભર્યું, શિવરાજ અને પ્રભાત ઝા સાથે રહ્યા

બીજેપીમાં સામેલ થયાના બે દિવસ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં રાજ્યસભા માટે ઉમેદવારી દાખલ કરી છે. વિધાનસભામાં સિંધિયાએ ઉમેદવારી નોંધાવી તે દરમ્યાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા, પ્રદેશ અધ્યક્ષ વી. ડી. શર્મા, ગોપાલ ભાર્ગવ પણ હાજર રહ્યા હતા. આ પહેલાં સિંધિયાએ બીજેપી નેતાઓ સાથે નરોત્તમ મિશ્રાના ઘરે લંચ કર્યું હતું. પહેલાં શક્યતા હતી કે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બૅન્ગલોરમાં હાજર સિંધિયા જૂથના પ્રધાન-ધારાસભ્યો હાજર રહેશે પરંતુ અંતે તેઓ પહોંચી શક્યા નહોતા. સિંધિયાની સાથે બીજેપીના બીજા ઉમેદવાર સુમેરસિંહ સોલંકીએ પણ ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું છે.

Kamal Nath madhya pradesh national news