હૈદરાબાદના એન્કાઉન્ટરના મુદ્દે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ મૌન તોડ્યુ

08 December, 2019 11:05 AM IST  |  Hyderabad

હૈદરાબાદના એન્કાઉન્ટરના મુદ્દે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ મૌન તોડ્યુ

(જી.એન.એસ.) હૈદરાબાદમાં ગૅન્ગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ગૅન્ગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની ટીકા કરી હતી. જોધપુરમાં એક કાર્યક્રમમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે ન્યાય ક્યારેય ઉતાવળપૂર્વક કરવામાં આવી શકતો નથી. જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો એ પોતાનું મૂળ ચરિત્ર જ ગુમાવી બેસે છે.

જોધપુરમાં રાજસ્થાન હાઈ કોર્ટની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહમાં જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે હું નથી માનતો કે ન્યાય ક્યારેય ઉતાવળમાં કરવો જોઈએ. હું માનું છું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો એ પોતાનું મૂળ સ્વરૂપ જ ગુમાવી બેસે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યાયને ક્યારેય બદલાની ભાવનાથી ના લેવો જોઈએ.

રાજસ્થાન હાઈ કોર્ટની જોધપુરસ્થિત નવી ઇમારતનું ઉદ્ઘાટન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે પણ હાજર રહ્યા હતા. હાઈ કોર્ટનું આ મુખ્ય ભવન ૨૨.૬૧ વીઘામાં બનાવવામાં આવ્યું છે. આ ઇમારતમાં મુખ્ય ન્યાયાધીશના રોમ સહિત બાવીસ ન્યાયાલય ઓરડા છે જ્યાં જુદા-જુદા કેસની સુનાવણી થશે. નિયમિતરૂપે સુનાવણી કરનારી અદાલતો ઉપરાંત બે રૂમ લોક અદાલત માટે પણ બનાવવામાં આવ્યા છે.


હૈદરાબાદ એન્કાઉન્ટર: સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ
(જી.એન.એસ.) હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગૅન્ગરેપ અને હત્યા કેસમાં આરોપીઓના એન્કાઉન્ટરને લઈને આખા દેશમાં ચર્ચા છે. અનેક લોકો પોલીસના કામની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક લોકો પોલીસના કાર્ય પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ એન્કાઉન્ટરને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. સુપ્રીમના વકીલ જી.એસ. મની અને પ્રદીપ કુમારે જાહેર હિતની અરજી કરી છે. આ અરજીમાં પોલીસ એન્કાઉન્ટર વિશે ફરિયાદ દાખલ કરવાની માગણી કરવામાં આવી છે સાથે જ એન્કાઉન્ટર કરનાર પોલીસવાળાઓ સામે તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે શુક્રવારે હૈદરાબાદ પોલીસે ગૅન્ગરેપ અને હત્યાના ચાર આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા.

આ મામલે તેલંગણ હાઈ કોર્ટમાં પણ એક અરજી દાખલ કરવામાં આવી છે. હાઈ કોર્ટે પોલીસને આરોપીઓના મૃતદેહને ૯ ડિસેમ્બર સુધી સાચવી રાખવાનો આદેશ કર્યો છે. અનેક વર્તમાન અને ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓેએ આ એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યું છે, જ્યારે અમુક લોકોએ એની નિંદા કરી છે. આ પહેલાં શુક્રવારે એન્કાઉન્ટરમાં મોતના મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વયંભૂ કાર્યવાહી કરી હતી જે બાદ રાષ્ટ્રીય માનવાધિકારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આરોપીઓનું હૈદરાબાદની જેમ

એન્કાઉન્ટર કરી નાખો : પિતા
પીડિતાના પિતાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જે રીતે હૈદરાબાદકાંડના આરોપીઓને માર્યા એવી જ રીતે અમારી દીકરીના દરિન્દોને દોડાવી-દોડાવીને મારવા જોઈએ અથવા તો ફાંસી આપવી જોઈએ. તેમણે કહ્યું કે આરોપીઓને સજા મળ્યા બાદ દીકરીના આત્માને શાંતિ મળશે.

national news hyderabad