ચંડીગઢ યુનિવર્સિટી એમએમએસ કાંડમાં વિદ્યાર્થિનીના બૉયફ્રેન્ડ સહિત બે યુવકની શિમલાથી કરાઈ ધરપકડ

20 September, 2022 09:19 AM IST  |  Chandigrah | Gujarati Mid-day Correspondent

પંજાબ સરકારે આ મામલે વિમેન્સ ઑફિસરોની સ્પેશ્યલ તપાસ સમિતિ બનાવી 

તસવીર : પી.ટી.આઇ.

ચંડીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના અભદ્ર વિડિયો બનાવવાના કેસમાં પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ બાદ તેના બૉયફ્રેન્ડ સહિત બે યુવકોની હિમાચલ પ્રદેશના શિમલામાંથી ધરપકડ કરી હતી. દરમ્યાન નામ ન આપવાની શરતે હૉસ્ટેલની કેટલીક વિદ્યાર્થિનીઓએ પોલીસને જણાવ્યું હતું કે આ સંપૂર્ણ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વૉર્ડને આરોપી વિદ્યાર્થિની પાસેના તમામ એમએમએસ ડિલીટ કરાવી દીધા હતા.  પંજાબ સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લેતાં મહિલા ઑફિસરોની એક સ્પેશ્યલ ટીમ પણ બનાવી છે જે આ મામલે તપાસ કરશે.  

પંજાબ પોલીસ ધરપકડ કરાયેલા બન્ને યુવકોની પૂછપરછ કરી રહી છે, જેને પગલે અનેક બાબતોની સચ્ચાઈ સામે આવે એવી સંભાવના છે. ધરપકડ કરાયેલા બેમાંથી એક યુવાન બેકરીમાં, જ્યારે કે બીજો ટ્રાવેલ એજન્સીમાં નોકરી કરે છે.

પહેલાં જાણવા મળ્યું હતં કે આરોપી યુવતીએ લગભગ ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓના અભદ્ર વિડિયો બનાવ્યા હતા. જોકે પાછળથી યુનિવર્સિટી અને પોલીસે જણાવ્યું હતું કે તેની પાસેથી બીજી કોઈ સ્ટુડન્ટના વિડિયો નથી મળ્યા. આરોપી યુવતીએ માત્ર પોતાનો વિડિયો બનાવીને પોતાના બૉયફ્રેન્ડને મોકલ્યો હતો. જોકે હૉસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેમને પહેલાંથી જ આ છોકરી પર શંકા હતી, જે સાચી પડતાં વૉર્ડનને ફરિયાદ કરતાં વૉર્ડને તેને ઠપકો આપીને બધા એમએમએસ ડિલીટ કરાવ્યા હતા.  

તેના જણાવ્યા મુજબ આ હૉસ્ટેલ પહેલાં બૉય્ઝ હૉસ્ટેલ હોવાથી એના કોરિડોરમાં સીસીટીવી કૅમેરા નહોતો બેસાડાયો, જેના કારણે હૉસ્ટેલમાં થતી ગતિવિધિઓની બહાર કોઈને જાણ થઈ શકી નહોતી. 

national news chandigarh