ચમોલીમાં ટનલ દુર્ઘટનામાં ૭ મજૂરોના મોત, ૧૪ ઈજાગ્રસ્ત; CM ધામીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી

14 August, 2026 10:48 AM IST  |  Chamoli | Gujarati Mid-day Online Correspondent

Chamoli Tunnel Accident: ચમોલી જિલ્લાના પીપલકોટી સ્થિત THDC ના નિર્માણ હેઠળના હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં ગુરુવારે સાંજે અચાનક પાણી અને ભૂસ્ખલનનો કાટમાળ ઘૂસી જતાં ૭ શ્રમિકોના મોત થયા છે અને ૧૪ અન્ય ઈજાગ્રસ્ત થયા છે; બચાવકામગીરી ચાલુ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી ચમોલીમાં ટનલ અકસ્માત સ્થળ પર પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું (તસવીર સૌજન્યઃ એએનઆઇ)

ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) જિલ્લામાં પીપલકોટી (Pipalkoti) નજીક માયાપુર (Mayapur) માં ગુરુવારે સાંજે એક વિજળી પ્રોજેક્ટની નિર્માણ હેઠળની ટનલમાં અચાનક પાણી અને ભૂસ્ખલનનો કાટમાળ ઘૂસી જતાં ૭ મજૂરોના મોત થયા છે અને ૧૪ અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત (Chamoli Tunnel Accident) સાંજે આશરે ૬:૪૫ વાગ્યે `ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન` (Tehri Hydro Development Corporation - THDC) ના `વિષ્ણુગાડ-પીપલકોટી હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ` (Vishnugad-Pipalkoti Hydroelectric Project)ની ૨ કિલોમીટર લાંબી ટનલ અંદર બન્યો હતો, જેનું નિર્માણ કામ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (Hindustan Construction Company - HCC) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. સાંજના શિફ્ટના ૨૨ મજૂરો અંદર હાજર હતા, ત્યારે ટનલની ઉપર ભૂસ્ખલન થવાથી મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે કાદવ, પથ્થરો અને પાણીનો ભારે પ્રવાહ ટનલમાં ઘૂસી ગયો હતો.

વિવિધ એજન્સીઓ દ્વારા વ્યાપક બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force - NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (State Disaster Response Force - SDRF), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police - ITBP), ભારતીય સેના (Indian Army), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force - CISF) અને સ્થાનિક પોલીસની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઈ હતી. બચાવકર્તાઓએ ટનલના પાણીમાં ડૂબેલા ભાગોમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ખાસ સાધનો, હાઇ-કેપેસિટી વોટર પંપ અને બોટનો ઉપયોગ કર્યો હતો.

શુક્રવાર સવાર સુધીમાં ૨૨ માંથી ૨૧ મજૂરોનો પત્તો મેળવી લેવાયો હતો. હોસ્પિટલ પહોંચાડતા અથવા સારવાર દરમિયાન ૭ મજૂરોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૪ ઈજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને ગોપેશ્વર (Gopeshwar) ની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને બેઝ હોસ્પિટલ શ્રીનગર અને AIIMS ઋષિકેશ જેવી ઉચ્ચ તબીબી સુવિધાઓમાં રિફર કરવામાં આવી રહ્યા છે. ટનલ અંદર હજુ પણ લાપતા એક મજૂરની શોધખોળ ચાલુ છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્થળ પર પહોંચી સમીક્ષા કરી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) શુક્રવારે સવારે ખરાબ હવામાન હોવા છતાં પીપલકોટી પહોંચ્યા હતા અને ચાલુ બચાવ કામગીરીની સીધી સમીક્ષા કરી ઈજાગ્રસ્ત મજૂરોના ખબર-અંતર પૂછ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચતા પહેલા, સીએમ ધામીએ દેહરાદૂન માં સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન્સ સેન્ટર (Disaster Operations Centre in Dehradun) પરથી રાતભર પરિસ્થિતિ પર નજર રાખી હતી. તેમણે ઝારખંડ (Jharkhand) ના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) અને છત્તીસગઢ (Chhattisgarh) ના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય (Vishnu Deo Sai) સાથે વાતચીત કરીને તેમના રાજ્યના મજૂરો અંગેની અપડેટ્સ આપી હતી.

સીએમ ધામીએ જણાવ્યું હતું કે, ‘ટનલની અંદર ફસાયેલા દરેક મજૂરને સલામત બહાર કાઢવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’ તેમણે ઉમેર્યું કે, તમામ ઉપલબ્ધ વહીવટી સંસાધનો અને મશીનરીને કામે લગાડવામાં આવી છે.

શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત યોજનાની નિર્માણ હેઠળની ટનલમાં ગુરુવારે રાત્રે અચાનક પાણી અને કાટમાળ ઘૂસી જવાથી થયેલી દુર્ઘટનાએ પ્રોજેક્ટમાં શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આશરે ત્રણ કિલોમીટર લાંબી આ ટનલમાં આ પહેલી દુર્ઘટના નથી; આઠ મહિના પહેલાં ડિસેમ્બર ૨૦૨૫માં પણ ટનલની અંદર બે લોકો ટ્રોલીઓ સામસામે અથડાઈ હતી, જેમાં અનેક મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ જળવિદ્યુત પ્રોજેક્ટની ક્ષમતા ૪૪૪ મેગાવોટ છે અને તેનું લગભગ ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આવા સમયે ટૂંકા ગાળામાં સતત બીજી દુર્ઘટના બનવી એ ભારે ચિંતાનો વિષય છે. ટનલ અંદર કામ કરતા શ્રમિકોની સુરક્ષા, સતત દેખરેખ અને આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની તૈયારીઓને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

જોકે, આ પ્રોજેક્ટનું સંચાલન કરતી સંસ્થા ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન (THDC) એ આ તાજેતરની ઘટનાને ભૂગર્ભીય આપત્તિ (Geological Disaster) ગણાવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે અચાનક ભારે માત્રામાં પાણી અને કાટમાળ આવી જવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરીમાં તમામ ઉપલબ્ધ સંસાધનો અને મશીનરી લગાવી દીધી છે.

uttarakhand accident pushkar singh dhami national news news national disaster response force NDRF central industrial security force