11 April, 2025 08:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારત સરકારે ડેસ્કટૉપ પર વૉટ્સઍપ વાપરતા લોકોને એક મોટા સુરક્ષા-જોખમ વિશે ચેતવણી આપી છે
ભારત સરકારે ડેસ્કટૉપ પર વૉટ્સઍપ વાપરતા લોકોને એક મોટા સુરક્ષા-જોખમ વિશે ચેતવણી આપી છે. ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટ્રી હેઠળ આવતી ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-IN)એ ૯ એપ્રિલે એ વૉટ્સઍપ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે જેમણે પોતાના પર્સનલ કમ્પ્યુટર પર ડેસ્કટૉપ ઍપ ઇન્સ્ટૉલ કરી છે.
સરકારને વૉટ્સઍપમાં કેટલીક સુરક્ષા-ખામીઓ મળી આવી છે જેનો ફાયદો ઉઠાવીને હૅકર્સ વ્યક્તિનો અંગત ડેટા ચોરી શકે છે. આ ખામીઓને કારણે વ્યક્તિનું અકાઉન્ટ પણ હૅક થઈ શકે છે. સરકારે યુઝર્સને સલાહ આપી છે કે તેઓ પોતાના વૉટ્સઍપને તાત્કાલિક અપડેટ કરે. નવા અપડેટમાં આ ખામીઓ દૂર કરી દેવામાં આવી છે. આ સિવાય યુઝર્સને કોઈ પણ શંકાસ્પદ લિન્ક પર ક્લિક કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ મોકલે છે તો એને નજરઅંદાજ કરીને તાત્કાલિક બ્લૉક કરી દો એવી સલાહ આપવામાં આવી છે.