આજે સંસદની નવી ઈમારતનું કામ શરૂ થશે, જૂની ઇમારતમાં બનશે મ્યુઝિયમ

15 January, 2021 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આજે સંસદની નવી ઈમારતનું કામ શરૂ થશે, જૂની ઇમારતમાં બનશે મ્યુઝિયમ

નવી ઇમારતની ઇમેજ

દિલ્હીમાં નવા સંસદભવનની કામગીરીનો આજે શુભારંભ થશે. લગભગ 100 વર્ષ પછી સંસદની નવી ઇમારત બની રહી છે. આ પ્રોજેક્ટ 865 કરોડનો  છે. ઘણા મહત્ત્વના પ્રોજેક્ટનું સુકાન ચૂકેલા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે  નવું સંસદ ભવન કેવું હોવું જોઇએ તેનું વિઝન તૈયાર કર્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ 14 સભ્યવાળી હેરિટેજ પેનલે સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કોર્પોરેટ સ્તરે આ પ્રોજેક્ટ પાર પાડવાનું માધ્યમ છે તાતા કંપની અને સંસદ ભવનની નવી ઇમારત દિલ્હીના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.

બિમલ પટેલે આગાઉના મીડિયા ઇન્ટરવ્યુઝમાં કહ્યું હતું કે આ આખા પ્રોજેક્ટમાં જૂના બિલ્ડિંગની બંને બાજુ ત્રિકોણાકાર એવા બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર હોવાનો આભાસ થશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવી ઇમારતની યુએસપીઝ પણ જાણવા જેવી છે. જેમ કે નવી ઇમારતમાં 888 લોકો બેસી શકશે જ્યારે અત્યારે માત્ર 590 લોકો લોકસભામાં બેસી શકે છે. વળી પબ્લિક ગેલેરીની સિટીંગ કેપેસિટી પણ વધારાઇ છે, અહીં હવે 335થી વધુ લોકો બેસી શકશે. રાજ્ય સભાની બેઠકોની ક્ષમતા 280થી વધારીની 384 કરાશે અને અહીંની પબ્લિક ગેલેરીમાં પણ 335થી વધુ લોકો બેસી શકશે. જ્યારે સંયુક્ત સત્ર હશે ત્યારે 1270થી વધુ લોકો અહીં બેસી શકશે. વળી નવી ઇમારતમાં ઑડિયો વીડિયોને લગતી અત્યાધુનિક સવલતો હશે. આ હાઇટેક ઑફિસમાં કાફેઝ, ડાઇનર્સ, લાઉન્જ વગેરે પણ પુરતા પ્રમાણમાં હશે અને તેની જગ્યામાં ઘણી મોકળાશ ઉમેરાશે. ઇમારત એવી રીતે બનશે કે તેને ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ મળે વળી અકૂસ્ટિક ક્ષમતા ધરાવતી સવલતો બંન્ને સભામાં હશે. VVIP માટે અન્ડરગ્રાઉન્ડ પ્રવેશ, જ્યારે જાહેર જનતા અને અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પરથી એન્ટ્રી હશે.દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી આ બિલ્ડિંગનો ઉપયોગ કરી શકે એેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઇમર્જન્સી એક્ઝિટ્સ પણ બહુ ચિવટથી પ્લાન કરવામાં આવી છે. 

 

delhi news national news