કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી

21 May, 2022 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

12 સિલિન્ડર સુધીના દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલ 8 રૂપિયા અને ડીઝલ 6 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. 12 સિલિન્ડર સુધીના દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે “અમે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડીએ છીએ. તેનાથી સરકારને દર વર્ષે લગભગ 1 લાખ કરોડનો ખર્ચ થશે. ઉપરાંત, આ વર્ષે અમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપીશું. તેનાથી વાર્ષિક આશરે રૂા. 6100 કરોડની આવકને અસર થશે.

સીતારમણે કહ્યું કે “જ્યાં અમારી આયાત પર નિર્ભરતા વધુ છે ત્યાં અમે પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યૂટી પણ ઘટાડી રહ્યા છીએ. કેટલાક સ્ટીલના કાચા માલ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે. ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. સિમેન્ટની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને સારી લોજિસ્ટિક્સ દ્વારા સિમેન્ટની કિંમત ઘટાડવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.”

નાણામંત્રીએ કહ્યું કે “હું તમામ રાજ્ય સરકારોને, ખાસ કરીને એવા રાજ્યોને, જ્યાં છેલ્લા રાઉન્ડ (નવેમ્બર 2021) દરમિયાન કાપ મૂકવામાં આવ્યો ન હતો, સમાન કાપ લાગુ કરવા અને સામાન્ય માણસને રાહત આપવાનું આહ્વાન કરવા માગુ છું. આજે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વ COVID-19 રોગચાળામાંથી રિકવરી કરી રહ્યું છે.

national news